મહેસાણાઃ ગુજરાતના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને આંતરરાષ્ટ્રીય સ્તરે નવી ઓળખ મળી છે. મહેસાણા જિલ્લાના ઐતિહાસિક નગર વડનગરમાં આવેલા ‘અનંત અનાદિ વડનગર – આર્કિયોલોજિકલ એક્સપિરિયેન્શિયલ મ્યુઝિયમ’ને જર્મનીના બર્લિન ખાતે પ્રતિષ્ઠિત રેડ ડોટઃ બેસ્ટ ઓફ ધ બેસ્ટ એવોર્ડ-2026 એનાયત કરાયો છે. આ સિદ્ધિ સાથે આ સન્માન મેળવનાર ભારતનું પ્રથમ અને એકમાત્ર મ્યુઝિયમ બનવાનો રેકોર્ડ વડનગરના નામે નોંધાયો છે.
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આ સિદ્ધિની જાહેરાત કરીને તેને રાજ્ય અને દેશ માટે ગૌરવની ક્ષણ ગણાવી છે. ખાસ વાત એ છે કે ભુજના સ્મૃતિવન મ્યુઝિયમ બાદ રેડ ડોટનું આંતરરાષ્ટ્રીય સન્માન મેળવનાર વડનગર ગુજરાતનું બીજું મ્યુઝિયમ બન્યું છે.
મ્યુઝિયમને એક્ઝિબિશન ડિઝાઇન કેટેગરીમાં સન્માન
આ પુરસ્કાર મુખ્યત્વે પ્રોડક્ટ ડિઝાઇન, બ્રાન્ડ્સ અને કોમ્યુનિકેશન ડિઝાઇન અને ડિઝાઇન કોન્સેપ્ટ જેવી કેટેગરીમાં આપવામાં આવે છે. મ્યુઝિયમને બ્રાન્ડ્સ અને કોમ્યુનિકેશન ડિઝાઇન 2026ની એક્ઝિબિશન ડિઝાઇન કેટેગરીમાં સન્માન મળ્યું છે. આમાં પણ ‘બેસ્ટ ઓફ ધ બેસ્ટ’ વિશેષ મહત્ત્વ ધરાવે છે. સામાન્ય રેડ ડોટ સન્માનથી આગળ વધીને આ કેટેગરીમાં અસાધારણ ગુણવત્તા, નવીન વિચારધારા અને શ્રેષ્ઠ અમલીકરણ ધરાવતા પ્રોજેક્ટને પસંદ કરવામાં આવે છે.
વડનગર મ્યુઝિયમને આ સન્માન તેની અનોખી પ્રદર્શન ડિઝાઇન, ઐતિહાસિક વારસાની રજૂઆત અને મુલાકાતીઓને ઇતિહાસનો જીવંત અનુભવ કરાવવાની પદ્ધતિ માટે મળ્યું છે. એટલે કે આ પુરસ્કાર માત્ર મ્યુઝિયમની ઇમારત માટે નહીં, પરંતુ ઇતિહાસને લોકો સમક્ષ રજૂ કરવાની સમગ્ર ડિઝાઇન અને અનુભવ માટે છે.

