ગાંધીનગરઃ ગુજરાતી નવા વર્ષ વિક્રમ સંવત-2083ના આરંભે શુક્રવારે સાંજે વતન આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજભવન ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મંત્રીઓ તેમજ પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, સંગઠનના પાંચેય મહામંત્રીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. નૂતન વર્ષના આરંભે વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં રાજભવનમાં ભોજન સમારોહનું આયોજન થયું હતું. પાંચ મહિનામાં વડાપ્રધાન મોદી બીજી વખત રાજ્યના મંત્રીમંડળ અને ભાજપ સંગઠનના પદાધિકારીઓને મળ્યા છે, આથી દસેક મહિના પછી યોજાનારી વિધાનસભા ચૂંટણી-2027ને લઈને રાજકીય વર્તુળોમાં ગરમાવો આવ્યો છે.
રાજભવનમાં ડિનર ડિપ્લોમસી અંગે ભાજપ વર્તુળોમાં ચર્ચા છે કે, વિધાનસભા ચૂંટણી-2027ને આડે માંડ 10 મહિનાનો સમય રહ્યો છે. નૂતન વર્ષે ભાજપ સરકાર અને સંગઠન દ્વારા બિરસા મુંડા જન્મજયંતીની ઉજવણી અને તે બાદ જાન્યુઆરીમાં વાઇબ્રન્ટ સમિટ યોજાશે. આથી વડાપ્રધાન મોદી દ્વારા સરકારનાં કામો, નિર્ણયોના રિપોર્ટ કાર્ડની સાથે ગુજરાતના મોવડીઓને નાગરિકો વચ્ચે જઈ સક્રિયતા વધારવા લેસન આપ્યું હોવાની ચર્ચા થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, રાજભવનમાં રાત્રે નવેક વાગ્યાથી ભોજન સમારોહ શરૂ થયો હતો, જે દોઢથી બે કલાક સુધી ચાલ્યો હોવાનું જાણવા મળ્યું છે.
અંબાજી જવાનું ટાળ્યું
વડાપ્રધાન મોદી લાભપાંચમના દિવસે અંબાજી દર્શનાર્થે જવાના હતા. તે માટે ગુરુવારે સલામતી વ્યવસ્થાઓએ અંબાજી માતાજી દેવસ્થાનમાં સમીક્ષા પણ કરી હતી, પરંતુ નવા વર્ષે માતાજીના ધામમાં લાખો માઇભક્તો દર્શનાર્થે આવી રહ્યા હોવાથી તેમને અગવડ ન પડે તે હેતુસર વડાપ્રધાન મોદીએ શનિવારની અંબાજીની યાત્રા મુલતવી રાખી હોવાની જાહેરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ કરી હતી.
ધરાતલ પર ઊતરી સાચી સ્થિતિ સમજો
ભાજપને 2022ની ચૂંટણીમાં વિક્રમી 156 બેઠક મળી તે પછી કોંગ્રેસ અને આપ સાવ નબળા થઈ ગયાં છે તેમ માનવાને બદલે વાસ્તવિક પરિસ્થિતિ જાણવા લોકો સાથે સતત સંપર્ક જાળવી રાખવા મોદીએ અહીં હાજર 34 નેતાઓને સૂચના આપી હતી. તેમણે કહ્યું કે, કાર્યકર્તા બનીને મહેનત કરશો તો ક્યારેય લોકોના દિલથી દૂર નહીં રહો.
મુખ્યમંત્રી અને સંઘવી સાથે ચર્ચા
રાજભવનમાં જ નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે અડધો કલાક જેટલો સમય ચર્ચા કરી હતી. આ બંને નેતાઓને તેમણે ચૂંટણીલક્ષી અને આવનારા સમયમાં યોજાનારા કાર્યક્રમો અંગે માર્ગદર્શન આપ્યું હોય તેવી શક્યતા છે. આ ઉપરાંત સંગઠન અને સરકાર વચ્ચેના આંતરિક નાનામોટા મતભેદ દૂર કરવા પણ જણાવ્યું હોવાનું સંભળાય છે.

