વાઈબ્રન્ટ સમિટઃ ખાડી દેશોમાં રોકાણ આકર્ષવા ગુજરાતના ડેલિગેશનની બેઠકો

Wednesday 18th November 2026 05:31 EST
 
 

અમદાવાદઃ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 11મી આવૃત્તિ આગામી 10થી 12 જાન્યુઆરી 2027 દરમિયાન ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાશે. ગુજરાત સરકારના ઉચ્ચસ્તરીય ડેલિગેશને 25થી 31 ઓક્ટોબર 2026 દરમિયાન કતાર, ઓમાન અને યુએઈ ખાતેનું મિશન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. આ મિશનથી ખાડી દેશો સાથે રાજ્યની વ્યૂહાત્મક ભાગીદારી વધુ મજબૂત બની છે અને આગામી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027ની તૈયારીને વધુ વેગ મળ્યો છે. આ પ્રવાસ દરમિયાન વૈશ્વિક રોકાણ, વેપાર, ઈનોવેશન, મેન્યુફેક્ચરિંગ અને નાણાકીય સેવાઓ માટે પસંદગીના સ્થળ તરીકે ગુજરાતમાં રહેલી તકોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
આ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના સચિવ લોચન સહેરા દ્વારા કરાયું હતું. તેમાં ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારીઓ, વિવિધ ક્ષેત્રીય એજન્સીઓ અને ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ સામેલ હતા. એક અઠવાડિયાની આ મુલાકાત દરમિયાન પ્રતિનિધિમંડળે ત્રણેય દેશોના સોવરેન વેલ્થ ફંડ્સ, ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન એજન્સીઓ, નાણાંકીય સંસ્થાઓ, ઉર્જા કંપનીઓ, લોજિસ્ટિક્સ ઓપરેટર્સ, ઈન્ડસ્ટ્રીયલ ડેવલપર્સ, શૈક્ષણિક સંસ્થાઓ અને ગુજરાતી બિઝનેસ સમુદાયના સભ્યો સાથે સંવાદ કર્યો હતો. આ મિશનમાં ફાઈનાન્સ, ઉર્જા, લોજિસ્ટિક્સ, બંદરો (પોર્ટ્સ), ઈન્ફ્રાસ્ટ્રક્ચર, મેન્યુફેક્ચરિંગ, બાયોટેકનોલોજી, શિક્ષણ, શહેરી વિકાસ, રિટેલ અને અદ્યતન ટેકનોલોજી જેવા મુખ્ય ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા હતા, જેના પરિણામે ગુજરાતમાં સંભવિત રોકાણ અને સહયોગની મજબૂત તકો ઊભી થઈ છે.
સિંગાપોર, દક્ષિણ કોરિયાના દ્વાર ખૂલ્યા
વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાના નેતૃત્વમાં ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળે 19થી 26 ઓક્ટોબર દરમિયાન સિંગાપોર અને દક્ષિણ કોરિયાની મુલાકાત લીધી હતી. આ પ્રવાસ દરમિયાન સિંગાપોરમાં 20 અને દક્ષિણ કોરિયામાં 25 બેઠક તથા કાર્યક્રમો યોજાયા હતા. સિંગાપોરના વ્યાપાર અને ઉદ્યોગ મંત્રાલયના રાજ્યમંત્રી ગન સિઓવ હુઆંગ સહિત ઉદ્યોગજગતના અગ્રણીઓ સાથે રોકાણ અને વ્યાપારી સહયોગ અંગે ચર્ચા કરાઈ હતી. આ સાથે પ્રતિનિધિમંડળે માઇક્રોન સેમિકંડક્ટર, એ સ્ટાર, એચજે હેવી ઇન્ડસ્ટ્રીઝ અને સિઓલ સેમિકંડક્ટરની પણ મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન સેમિકન્ડક્ટર, ગ્રીન હાઇડ્રોજન, બાયોટેક્નોલોજી, ડેટા સેન્ટર, શિપબિલ્ડિગ અને એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રોમાં રોકાણની તકો ઊભી થઈ છે. ગ્લોબલ ટેક સોલ્યુશન્સ અને જીએનબીએસ ઇકો દ્વારા ધોલેરામાં, જ્યારે ભારત સેમિટેક દ્વારા સાણંદમાં રસ દર્શાવાયો છે. નોવા ડેટા સેન્ટર્સ, હાનવા અને એચજે હેવી ઇન્ડસ્ટ્રીઝે પણ વિવિધ ક્ષેત્રોમાં રોકાણની ઉત્સુક્તા વ્યક્ત કરી છે. ઉપરાંત સિંગાપોરમાં ગુજરાત સપોર્ટ ઓફિસ શરૂ કરવા તથા કોરિયન રોકાણકારો માટે ગુજરાતમાં એક જ સંપર્ક કેન્દ્ર (એસપીઓસી) ઊભું કરવાનાં સૂચનો મળ્યા છે.


comments powered by Disqus