સુરતના અનાવિલ અગ્રણી દંપતીનું કર્ણાટકમાં સ્પીડબોટ પલટતાં મોત

Wednesday 18th November 2026 06:16 EST
 

સુરતઃ અડાજણના ગ્રીનસિટીમાં રહેતા અને અનાવિલ સમાજના અગ્રણી વ્યવસાયે આર્કિટેક્ટ ધર્મેશભાઈ નાયક અને તેમનાં શિક્ષિકા પત્ની નિમ્મીબહેનનું દિવાળી વેકેશન દરમિયાન કર્ણાટકના કોડાગુ ખાતે બોટ પલટી જતાં મોત નીપજ્યું.
દંપતી તેમની 24 વર્ષીય પુત્રી દેવાંશી અને 21 વર્ષીય પુત્ર અનુજ સાથે દિવાળી વેકેશન માટે કર્ણાટકના કોડાગુ ગયો હતો, જ્યાં શુક્રવારે પરિવાર કુશલનગર નજીક હરંગી બેકવોટર્સ ખાતે સ્પીડ બોટમાં સવાર થઈને કુદરતી સૌંદર્ય અને બોટિંગની મજા માણી રહ્યો હતો, ત્યારે પૂરપાટ સ્પીડ બોટ અચાનક ઊંડા પાણીમાં પલટી ગઈ હતી અને પરિવારના ચારેય સભ્યો પાણીમાં ડૂબવા લાગ્યાં હતાં. બોટ પલટતા જ બોટના ચાલકે તરતા બંને બાળકો અનુજ તથા દેવાંશીને સુરક્ષિત બહાર કાઢી લીધાં હતાં, પરંતુ ધર્મેશભાઈ અને નિમ્મીબહેને પાણીમાં ગૂંગળાઈ જવાથી દમ તોડી દીધો હતો. ઘટનાની જાણ થતાં જ કુશલનગર ગ્રામ્ય પોલીસ અને સ્થાનિક ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ભારે જહેમત અને સંયુક્ત રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી પાણીમાંથી મૃત દંપતીને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા હતા.


comments powered by Disqus