સોનિયા ગાંધીએ પુસ્તકમાં કરેલા ગોધરા ટ્રેનકાંડના દાવાને પૂર્વ આઇપીએસએ ફગાવ્યા

Wednesday 18th November 2026 05:53 EST
 
 

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની આત્મકથા ‘બિલોન્ગિંગ ધ અ જર્ની ઓફ લવ’માં ગુજરાત રમખાણો અને વર્ષ 2002ના સાબરમતી ટ્રેન અગ્નિકાંડના પ્રસંગોને લઈને નવો વિવાદ શરૂ થયો છે. સોનિયા ગાંધીએ પોતાના પુસ્તકમાં દાવો કર્યો હતો કે, અયોધ્યાથી પરત આવી રહેલી સાબરમતી એક્સપ્રેસની બોગીઓમાં આગ લાગવાનું કારણ આજે પણ વિવાદિત છે, જે બાદ રાજ્યમાં રમખાણો ફાટી નીકળ્યાં હતાં. પૂર્વ આઇપીએસ અધિકારી રાકેશ અસ્થાનાએ સોનિયા ગાંધીના દાવાઓને ફગાવી દીધા હતા.
સાબરમતી ટ્રેન અગ્નિકાંડની તપાસ કરનારી વિશેષ તપાસ ટુકડી (સીટ)ના પ્રમુખ રહેલા અસ્થાનાએ ટ્રેનમાં આગ લાગવાના કારણને વિવાદિત ગણાવતાં સોનિયા ગાંધીના દાવાને ફગાવી દેતા કહ્યું કે, મામલાની તપાસ પૂરી થઈ ચૂકી છે અને અદાલત દ્વારા દોષીઓને સજા પણ અપાઈ ચૂકી છે. એ પણ સાબિત થઈ ચૂક્યું છે કે આગ જાણીજોઈને લગાવાઈ હતી અને તેમાં કોઈ જ્વલનશીલ તરલ પદાર્થનો ઉપયોગ કરાયો હતો. આગનાં કારણોની તપાસ લગાવવામાં ફોરેન્સિક પુરાવાઓએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. બળી ગયેલો ટ્રેન કોચ અને આસપાસના વિસ્તારોની ફોરેન્સિક તપાસની સાથે પ્રત્યક્ષદર્શીઓનાં નિવેદનોથી દોષીઓને સજાનો માર્ગ ખૂલ્યો હતો.
મુસ્લિમ અધિકારીઓની મહત્ત્વની ભૂમિકા
અસ્થાનાએ દાવો કર્યો હતો કે, તે સમયે ગુજરાતના મુખ્યમંત્રી રહેલા નરેન્દ્ર મોદીએ તપાસ માટે તેમને મુસ્લિમ પોલીસ અધિકારીઓ ઉપલબ્ધ કરાવ્યા હતા. તપાસ દરમિયાન તેમના પર કોઈપણ પ્રકારનું રાજકીય દબાણ નહોતું. રાકેશ અસ્થાનાએ જણાવ્યું હતું કે, હું એ જણાવવા માગું છું કે પ્રારંભિક તપાસ દરમિયાન મેં જોયું હતું કે જે વિસ્તારમાં આ ઘટના બની હતી, ત્યાં સંપૂર્ણપણે મુસ્લિમ વસતી રહેતી હતી. આવી સ્થિતિમાં મુસ્લિમ વિસ્તારમાં તપાસ કરવા માટે વ્યવહારિક અને વ્યવસાયિક દૃષ્ટિએ મુસ્લિમ અધિકારીઓની જરૂર હતી.


comments powered by Disqus