ગાંધીધામઃ UPSC-2025માં ઓલ ઇન્ડિયા 387મો રેન્ક મેળવી ભારતીય વહીવટી સેવામાં (IAS) સ્થાન મેળવનારી ગાંધીધામની દીકરીનો ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ખાતે સત્કાર સમારોહ યોજાયો હતો. મસૂરી-દહેરાદૂન તાલીમઅર્થે જતા પૂર્વે યોજાયેલા આ કાર્યક્રમમાં ચેમ્બરના હોદ્દેદારો, અધિકારીઓ અને વેપારી અગ્રણીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી દીકરીનું પાઘડી, શાલ, પુષ્પગુચ્છ અને સ્મૃતિચિન્હથી બહુમાન કર્યું હતું.
ગાંધીધામની મોર્ડન સ્કૂલમાં અભ્યાસ કરેલી શ્રેયા પ્રિયદર્શીએ પોતાના ચોથા પ્રયાસમાં આ સફળતા મેળવી છે. તેઓ કચ્છમાંથી IAS તરીકે પસંદગી પામનારી પ્રથમ મહિલા બન્યાં છે.
આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, ‘UPSC એ એક ચક્રવ્યૂહ છે, જેમાં સફળ થવા રોજના 12થી 14 કલાક અભ્યાસ કર્યો હતો. તહેવારો અને સામાજિક પ્રસંગોનો ત્યાગ કરવો પડ્યો હતો, પરંતુ આજે તેનું સાર્થક પરિણામ મળ્યું છે.’ તાલીમ બાદ તેઓ મહિલા સશક્તિકરણ, આરોગ્ય અને આર્થિક સ્વાવલંબન ક્ષેત્રે ખાસ કામ કરવા ઇચ્છે છે. આવકવેરા વિભાગના આસિસ્ટન્ટ કમિશનર રાજવીરસિંહે શ્રેયાની સફળતાને ગ્રામ્ય અને નાનાં શહેરોની દીકરીઓ માટે પ્રેરણારૂપ ગણાવી હતી.

