એરપોર્ટ પહોંચતા પહેલાં જ કસ્ટમનું કામ મોબાઈલથી થશે

બેગેજ, કરન્સી ડિક્લેરેશન, મુસાફર સેવા હવે એક જ પ્લેટફોર્મથી મળશે

Wednesday 19th August 2026 06:06 EDT
 

અમદાવાદઃ વિદેશથી ભારત આવતા મુસાફરો માટે કસ્ટમ્સની પ્રક્રિયા વધુ સરળ બનાવવા ‘અતિથિ 2.0’ એપનું અપડેટેડ વર્ઝન ઉપલબ્ધ કરાવાયું છે. આ સુવિધા દ્વારા મુસાફરો ભારત પહોંચતા પહેલાં જ પોતાના બેગેજ, જાહેર કરવાની વસ્તુઓ અને ચલણી નાણાં અંગેની જરૂરી માહિતી કસ્ટમ્સને આપી શકે છે. એપનું અપડેટેડ વર્ઝન તાજેતરમાં કેન્દ્ર સરકારના નાણા મંત્રાલય હેઠળના સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (CBIC)ના ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિસ્ટમ્સ દ્વારા વિકસાવાયું છે. ‘અતિથિ 2.0’ એપનો સૌથી મોટો ફાયદો એ છે કે મુસાફરો ભારતમાં આવ્યા પછી કસ્ટમ્સ કાઉન્ટર પર જ તમામ માહિતી આપવાની રાહ જોવાને બદલે અગાઉથી ડિજિટલ ડિક્લેરેશન કરી શકે છે. એપ દ્વારા બેગેજ, વસ્તુઓ અને ચલણી નાણાં સંબંધિત વિગતો જાહેર કરી શકાય છે. CBIC મુજબ આ વ્યવસ્થાનો હેતુ કસ્ટમ્સ ડિક્લેરેશનમાં લાગતો સમય ઘટાડવાનો અને ભારતીય એરપોર્ટ પર મુસાફરોની આગમન પ્રક્રિયા સરળ બનાવવાનો છે. ખાસ કરીને પરિવાર સાથે મુસાફરી કરતા લોકો અથવા લાંબી આંતરરાષ્ટ્રીય મુસાફરી બાદ એરપોર્ટ પર ઝડપથી બહાર નીકળવા ઇચ્છતા મુસાફરો માટે આ સુવિધા ઉપયોગી બની શકે છે. ખાસ કરીને અમદાવાદ એરપોર્ટ પર વિદેશથી આવનારા આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે પણ આ સુવિધા ઉપયોગી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ આ એપ માત્ર ડિક્લેરેશનની સુવિધા આપે છે, કસ્ટમ્સના લાગુ નિયમોનું પાલન કરવું ફરજિયાત છે.
જૂની કસ્ટમ્સ એપથી આગળ વધીને અતિથિ 2.0માં બેગેજ-કરન્સી સાથે ડ્યૂટીની માહિતી, ડિજિટલ પેમેન્ટ અને અન્ય મુસાફર સેવાઓ એક જ પ્લેટફોર્મ પર લાવવામાં આવી છે.


comments powered by Disqus