ઠાસરામાં બ્રિજ ધરાશાયી થતાં ચિતલાવ-સરદારપુરનો સંપર્ક કપાયો

Wednesday 19th August 2026 06:05 EDT
 
 

નડિયાદઃ ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં સરકારી તંત્રની ગુનાઇત બેદરકારી સામે આવી છે. ઠાસરાના ચિતલાવથી સરદારપુરને જોડતો મહત્ત્વનો બ્રિજ રવિવારે સવારે ધરાશાયી થયો હતો. સદનસીબે રવિવારની રજા હોવાથી મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ બે ગામ વચ્ચેનો રોજીંદો સંપર્ક સંપૂર્ણપણે તૂટી ગયો છે.
રાણિયા મહી કેનાલના વધારાનાં પાણીના નિકાલ માટે બનેલા આ બ્રિજના પિલરો આસપાસ લાંબા સમયથી ભયજનક ધોવાણ થઈ રહ્યું હતું. તંત્ર આ જોખમથી વાકેફ હોવા છતાં સમારકામ કરવાના બદલે સિંચાઈ (ઇરિગેશન) અને માર્ગ-મકાન (આર.એન્ડ.બી.) વિભાગ વચ્ચે જવાબદારી અંગે ખેંચતાણ ચાલતી રહી, જેના કારણે આખરે જર્જરિત બ્રિજ જમીનદોસ્ત થઈ ગયો. બ્રિજ તૂટી પડતાં વાહનવ્યવહાર ઠપ થઈ ગયો છે, જેથી ગ્રામજનો, ખેડૂતો અને વિદ્યાર્થીઓ ભારે હાલાકીમાં મુકાયા છે. સ્થાનિકોએ આ મામલે જવાબદાર અને લાપરવાહ અધિકારીઓ સામે તાત્કાલિક કડક શિક્ષાત્મક પગલાં ભરવાની માગ કરી છે. આ સાથે વૈકલ્પિક વ્યવસ્થાની માગ પણ કરી છે.


comments powered by Disqus