ગાંધીનગરઃ કેન્દ્રના ટેક્સેશન એન્ડ અધર લોઝ બિલ-2026'માં સ્પેશિયલ નોટિફાઈડ ઝોન્સ (SNZ)માં વિદેશી માઈનિંગ કંપનીઓને રફ હીરાના વેચાણ પર 15 વર્ષ માટે ટેક્સ મુક્તિની જાહેરાત છે. પરિણામે વિશ્વમાં શ્રેષ્ઠ રફ હીરા ઉત્પન્ન કરતા આફ્રિકી દેશ નામિબિયાના ઉચ્ચ સ્તરીય ડેલિગેશને મુંબઈની મુલાકાત લીધી હતી, જેમાં સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તેઓ હવે પોતાની રફ દુબઈ કે એન્ટવર્પ મોકલવાના બદલે સીધા મુંબઈ અને સુરત ડાયમંડ બુર્સ ખાતે SNZમાં ઓક્શન અને સેલ કરશે, જેનાથી સુરતના નાના -મધ્યમ હીરા ઉત્પાદકોને વિદેશના ખર્ચ વગર ઘરઆંગણે જ વિશ્વની શ્રેષ્ઠ રફ મળી રહેશે.
સુરત ડાયમંડ બુર્સ અને શહેરના નાના હીરા ઉત્પાદકોને આ ફાયદા થશે
અત્યાર સુધી સુરતના મધ્યમ અને નાના હીરા ઉત્પાદકોએ સસ્તી કે ઉચ્ચ ગુણવત્તાની રફ ખરીદવા માટે દૂબઈ, એન્ટવર્પ કે આફ્રિકાના દેશોમાં ધક્કા ખાવા પડતા હતા, જેમાં ટ્રાવેલિંગ, ઈન્સ્યોરન્સ અને લોજિસ્ટિક્સનો મોટો ખર્ચ
થતો હતો.
મિડલમેન અને કમિશન મુક્ત
વચેટિયાઓ દૂર થતાં સુરતના ઉત્પાદકોને ઘરઆંગણે રફ હીરા 5 ટકાથી 8 ટકા સુધી સસ્તા ભાવે મળશે, જેનાથી સુરતના હીરાબજારમાં તેજી આવવાની શક્યતા જોવાય છે.
SNZમાં ઓક્શન: IDTC અને SNZ
પ્લેટફોર્મનો ઉપયોગ કરીને નામિબિયા જેવી માઈનિંગ કંપનીઓ સીધા સુરત ડાયમંડ બુર્સ અને BDBમાં રફ લાવશે. દુબઈ-એન્ટવર્પનો દબદબો ઘટશે: 15 વર્ષના ટેક્સ હોલિડેના કારણે ગ્લોબલ ટ્રેડર્સ હવે ભારતને પોતાનું કાયમી ટ્રેડિંગ ડેસ્ટિનેશન બનાવશે.
અમારી પાસે રફ હીરાનો વિશ્વની શ્રેષ્ઠ ગુણવત્તાનો જથ્થો છે
નામીબિયાના ઉપમંત્રી ગૌડેન્ટિયા ક્રોહને કહ્યું, ‘નામીબિયા પાસે વિશ્વમાં શ્રેષ્ઠ હીરા છે. ક્વોલિટીમાં નામિબિયા નંબર-1 છે. ભારત પાસે જે વિશ્વસ્તરીય ટ્રેડિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (IDTC-SNZ) છે તેનો લાભ અન્ય દેશો લઈ રહ્યા હોય તો નામીબિયા કેમ નહીં? અમે અમારા રફ હીરાનું સીધુ વેચાણ કરીશું.’

