ભાજપની રાષ્ટ્રીય ટીમમાં ગુજરાતનો દબદબોઃ પદાધિકારીઓની સંખ્યા શૂન્યથી ચાર થઈ

Wednesday 19th August 2026 06:05 EDT
 
 

ગાંધીનગરઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનની નવી ટીમમાં ગુજરાતનો રાજકીય પ્રભાવ સ્પષ્ટપણે વધ્યો છે. રાષ્ટ્રીય સંગઠનની જૂની જે.પી. નડ્ડાની 2023માં બનેલી ટીમમાં ગુજરાતના એક પણ નેતાને કે ચહેરાને સ્થાન મળ્યું નહોતું, તેને સ્થાને નબીનની નવી ટીમમાં ગુજરાતના 4 નેતાને સ્થાન મળ્યું છે. તેમાં વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોશીને રાષ્ટ્રીય યુવા મોરચાના અધ્યક્ષ બનાવાયા છે, વઢવાણનાં પૂર્વ ધારાસભ્ય વર્ષાબહેન દોશીને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, અમરાઈવાડીના પૂર્વ ધારાસભ્ય જગદીશ પટેલ અને કોંગ્રેસથી આવેલા રોહન ગુપ્તાને રાષ્ટ્રીય મંત્રી બનાવાયા છે.
કોના કયા ગુણ?
હેમાંગ જોશી, અધ્યક્ષ, યુવા મોરચા
35 વર્ષના હેમાંગ જોશીને કર્ણાટકના તેજસ્વી સૂર્યાના સ્થાને જવાબદારી અપાઈ છે. જેન-ઝી આંદોલન બાદ હવે જોશીએ યુવા સુધી પક્ષનો સંદેશ લઈ જવાનો રહેશે.
વર્ષાબહેન દોશી, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ
સુરેન્દ્રનગરનાં પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ રહી ચૂકેલાં દોશી નવો ચહેરો છે. તેમની નિયુક્તિમાં ગુજરાતના મહિલા ચહેરા તરીકે અને સંગઠનનો અનુભવ ધ્યાને લેવાયો છે.
જગદીશ પટેલ, રાષ્ટ્રીય મંત્રી
અમરાઈવાડીના પૂર્વ ધારાસભ્ય, અમદાવાદના પૂર્વ પ્રમુખ જગદીશ પટેલ આનંદીબહેન પટેલ જૂથના છે. નરેન્દ્ર મોદીએ તેમને વારાણસીમાં સંગઠનની જવાબદારી આપી છે.
રોહન ગુપ્તા, રાષ્ટ્રીય મંત્રી
રાહુલ ગાંધીની કોર ટીમમાં રહી ચૂકેલા રોહન ગુપ્તાની પસંદગીથી વર્ષોથી ભાજપમાં રહેલા નેતાઓને આંચકો લાગ્યો છે. ભાજપમાં હવે તેઓ વિભિષણની જેમ કામ કરી કોંગ્રેસને હંફાવશે.


comments powered by Disqus