વડોદરાઃ કરજણના વર્ષ 2021ના ચકચારી સ્વીટી પટેલ હત્યા કેસમાં કરજણ સેશન્સ કોર્ટે 14 ઓગસ્ટે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે મુખ્ય આરોપી અને તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર અજય અમૃત દેસાઈને હત્યા અને પુરાવાનો નાશ કરવાના ગુનામાં દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. સાથે જ તેમને રૂ. 71 લાખનો દંડ પણ ફટકાર્યો છે.
આ કેસમાં સહઆરોપી કિરીટસિંહ દોલુભા જાડેજાને હત્યાના પુરાવાનો નાશ કરવામાં મદદ કરવા બદલ દોષિત ઠેરવાયા છે. કોર્ટે તેમને 5 વર્ષની સખત કેદ અને રૂ. 2 લાખનો દંડ ફટકાર્યો છે. દંડની રકમ ન ભરવામાં આવે તો બંને આરોપીઓને વધારાની સજા ભોગવવી પડશે. કોર્ટ દ્વારા IPCની કલમ 201 હેઠળ અજય દેસાઈને પુરાવાનો નાશ કરવાના ગુનામાં વધુ 2 વર્ષની સખત કેદ અને રૂ. 1000નો દંડ પણ ફટકાર્યો છે.
કેસની વિગતો મુજબ સ્વીટી પટેલ 5 જૂન, 2021થી ગુમ થઈ હતી. સમગ્ર રાજ્યમાં તેમની શોધખોળ ચાલી રહી હતી. તપાસ દરમિયાન ખુલાસો થયો હતો કે સ્વીટીની હત્યા તેમના પતિ અજય દેસાઈએ જ કરી હતી.
37 વર્ષીય સ્વીટી પટેલ મૂળ ઉમરેઠ તાલુકાના પણસોરા ગામની વતની હતી. તેમના જીવનમાં અગાઉ પણ એક લગ્ન સંબંધ તૂટ્યો હતો. પ્રથમ પતિ હેતસ મહેશ પંડ્યા સાથે તેમને બે પુત્રો હતા. બંને વચ્ચે અણબનાવ વધતાં પરસ્પર સહમતિથી છૂટાછેડા થયા હતા. ત્યારબાદ વર્ષ 2015માં એક કાર્યક્રમ દરમિયાન સ્વીટીની મુલાકાત તત્કાલીન PSI અજય અમૃત દેસાઈ સાથે થઈ હતી. બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો અને વર્ષ 2016માં રૂપાલના એક મંદિરમાં બંનેએ વિવાહ કર્યા હતા.
સ્વીટી સાથે લગ્ન બાદ અજય દેસાઈએ વર્ષ 2017માં અન્ય યુવતી સાથે સામાજિક રીતે લગ્ન કર્યાં હતાં. ત્યારબાદ સ્વીટી અને અજય વચ્ચે વારંવાર વિવાદો થવા લાગ્યા હતા. સ્વીટી બાદમાં ગર્ભવતી થઈ હતી અને વર્ષ 2019માં તેણે અજય દેસાઈના પુત્રને જન્મ આપ્યો હતો. પ્રોસિક્યુશનના કેસ મુજબ, આ વિવાદો વચ્ચે અજય દેસાઈએ સ્વીટીની હત્યાનું કાવતરું ઘડ્યું હતું.
તપાસ મુજબ 4 જૂને રાત્રે સ્વીટી અને અજય દેસાઈ વચ્ચે લગ્ન સંબંધ અંગે ઉગ્ર ઝઘડો થયો હતો. ત્યારબાદ અજય દેસાઈએ સ્વીટીનું ગળું દબાવી હત્યા કરી હોવાનો કેસ સામે આવ્યો હતો. જે બાદ સ્વીટીના મૃતદેહને કારમાં લઈ જવા અને તેનો નાશ કરવામાં કિરીટસિંહ જાડેજાની મદદ લેવાઈ હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. મૃતદેહને કરજણથી આમોદ અને વાગરા થઈ દહેજ હાઇવે તરફ લઈ જઈ અટાલી નજીક એક અવાવરુ સ્થળે સળગાવી દેવાયો હતો.
સ્વીટી ગુમ થયા બાદ કેસની તપાસે સમગ્ર ગુજરાતનું ધ્યાન ખેંચ્યું હતું. અંતે 25 જૂન, 2021ના રોજ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ અજય દેસાઈએ પત્નીની હત્યા કરી હોવાનો સ્વીકાર કર્યો હોવાનો ખુલાસો તપાસ દરમિયાન થયો હતો.

