મુંદ્રા: ભારતના નિકાસ ઇતિહાસમાં મુંદ્રા પોર્ટના નામે વધુ એક ગૌરવશાળી અધ્યાય ઉમેરાયો છે. અદાણી પોર્ટ્સ મુંદ્રાના અત્યાધુનિક રો- રો ટર્મિનલ પરથી ‘મોર્નિંગ પોસ્ટ’ નામના ઓટો મોબાઇલ કેરિયર જહાજમાં એક જ વખતમાં 6548 કાર લોડ કરીને રાષ્ટ્રીય કીર્તિમાન સ્થાપિત કર્યો છે. આ સાથે મુંદ્રા પોર્ટ દેશનું પહેલું અને એકમાત્ર એવું બંદર બન્યું છે, જેણે એકસાથે આટલી વિશાળ સંખ્યામાં કારનું સફળતાપૂર્વક લાડિંગ કર્યું છે.
આ વાહનો મુખ્યત્વે ચિલી, મેક્સિકો, બોલિવિયા, કોલંબિયા, ગ્વાટેમાલા, દક્ષિણ અમેરિકા અને ઉરુગ્વે જેવા આંતરરાષ્ટ્રીય બજારોમાં નિકાસ કરવામાં આવી રહ્યાં છે, જે વૈશ્વિક ઓટોમોબાઇલ વેપારમાં ભારતની હાજરીને મજબૂત બનાવે છે. દેશના કુલ કાર્ગો હેન્ડલિંગમાં મોટાભાગનું કાર્ગો હેન્ડલિંગ આપતું મુંદ્રા પોર્ટ આજે ભારતનું સૌથી મોટું કોમર્શિયલ બંદર છે. દરવર્ષે 200 મિલિયન મેટ્રિક ટનથી વધુ કાર્ગો હેન્ડલ કરતી આ સુવિધા માત્ર બંદર નથી, પરંતુ દેશની આયાત-નિકાસ વ્યવસ્થાનું ધબકતું હૃદય છે.
કોલસો, ક્રૂડ ઓઇલ, કન્ટેનર, ખાતર, સ્ટીલ અને ઓટોમોબાઇલ જેવાં વિવિધ ક્ષેત્રોમાં મુંદ્રા પોર્ટ સપ્લાય ચેઇનને નવી ગતિ આપે છે. ખાસ કરીને ‘મેક ઇન ઇન્ડિયા’ હેઠળ બનેલાં ભારતીય વાહનોને વિશ્વના બજારો સુધી ઝડપી, સુરક્ષિત અને અસરકારક રીતે પહોંચાડવામાં મુંદ્રા પોર્ટ એક મજબૂત કડી તરીકે ઊભરી આવ્યું છે. અદાણી પોર્ટ્સના રો-રો ટર્મિનલની આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઓટોમેટેડ યાર્ડ મેનેજમેન્ટ અને અત્યંત કાર્યક્ષમ ઓપરેશન્સના સંકલનથી આ ઐતિહાસિક રેકોર્ડ શક્ય બન્યો છે.

