અમદાવાદ એરપોર્ટથી કુઆલાલુમ્પુરથી લવાયેલું રૂ. 50 કરોડનું હેરોઈન જપ્ત

Wednesday 20th May 2026 06:24 EDT
 
 

અમદાવાદઃ એરપોર્ટ પરથી રવિવારે મોડી રાત્રે કુઆલાલુમ્પુરથી અમદાવાદ આવેલી એર એશિયાની AK-91 ફ્લાઈટના મુસાફર પાસેથી 9.30 કિલો હેરોઈન જપ્ત કરાયું જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત રૂ. 50 કરોડ છે.
મુસાફર આ હેરોઈન ફૂડ પ્રોડક્ટ્સના વિવિધ પેકિંગમાં તે છુપાવીને લાવ્યો હતો. ઝડપાયેલો આરોપી કેરલમના વાયનાડનો વતની હોવાનું બહાર આવ્યું છે. તે હેરોઈનનો જથ્થો દિલ્હી લઈ જવાનો હતો. ગત 7 મેના રોજ તે અમદાવાદથી કુઆલાલુમ્પુર ગયો હતો, ત્યાં 10 દિવસના રોકાણ બાદ 17 મેના રોજ અમદાવાદ પરત ફર્યો હતો, જ્યાં તે મોટા પ્રમાણમાં હેરોઈનના જથ્થા સાથે રંગેહાથ ઝડપાયો હતો.
અમદાવાદ કસ્ટમ વિભાગના જણાવ્યા મુજબ એરપોર્ટ પર નિયમિત ચેકિંગ દરમિયાન મુસાફરના હેન્ડ બેગેજના એક્સ-રે સ્કેનિંગમાં શંકાસ્પદ ચિત્રો દેખાતાં હતાં. જે જોઈને અધિકારીઓ સતર્ક થયા હતા અને મુસાફરને રોકી તેની હેન્ડ બેગની ચકાસણી કરવામાં આવી હતી. ચકાસણીમાં ‘ગ્રાટ્ટાના ગ્લુટા ગ્રો’ તેમજ ‘ક્રેકર્સ કોકોનટ ફ્લેવર’ના લખાણ લખેલા અનેક પેકેટ્સ મળી આવ્યાં હતાં. પ્રાથમિક રીતે આ પેકેટ ફૂડ સપ્લિમેન્ટ અને ખાદ્ય પદાર્થ હોવાનું જણાતું હતું, પરંતુ અધિકારીઓને શંકા જતાં પેકેટ ખોલીને તપાસ કરવામાં આવી હતી. જેમાં સફેદ પાઉડર તેમજ સફેદ દાણાદાર પદાર્થ મળી આવ્યો હતો.


comments powered by Disqus