અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનારી દેશની પ્રથમ બુલેટ ટ્રેનનો ભવ્ય લૂક જાહેર

માત્ર 2 કલાક અને 7 મિનિટમાં અમદાવાદથી મુંબઈ પહોંચાશે

Wednesday 20th May 2026 06:24 EDT
 
 

અમદાવાદઃ ભારતીય રેલવેના ઈતિહાસમાં એક સુવર્ણ પ્રકરણ ઉમેરાવા જઈ રહ્યું છે. દેશની પ્રથમ અતિઝડપી રેલસેવા એટલે કે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પરિયોજના હવે ખૂબ જ ઝડપથી હકીકત બનવાની દિશામાં આગળ વધી રહી છે. તાજેતરમાં જ નવી દિલ્હી ખાતે રેલ મંત્રાલયના દ્વાર ક્રમાંક 4 પર આ અતિઆધુનિક બુલેટ ટ્રેનની પ્રથમ પ્રસ્તાવિત સત્તાવાર તસવીર પ્રદર્શિત કરાઈ છે, જે ત્યાંથી પસાર થતાં સામાન્ય નાગરિકોમાં ભારે આકર્ષણ જમાવી રહી છે. આ પરિયોજના આગામી વર્ષોમાં પશ્ચિમ ભારતનાં બે મોટાં આર્થિક કેન્દ્રો વચ્ચે મુસાફરીનો સમય આશ્વર્યજનક રીતે ઘટાડશે.
આ અદભુત ટ્રેનને ખૂબ જ આકર્ષક સફેદ, કાળી અને કેસરી રંગની છટા સાથે સજ્જ કરાઈ છે, જે તેને અત્યંત આધુનિક લૂક આપે છે. ટ્રેનનો આગળનો ભાગ પવનના અવરોધને ઘટાડવા એરો ડાઇનેમિક બનાવાયો છે. આ વિશિષ્ટ ઘાટના કારણે ટ્રેન સુરંગોમાંથી પસાર થશે ત્યારે દબાણને કારણે પેદા થતો અવાજ બિલકુલ નહિવત્ રહેશે.
આ ટ્રેનના સ્ટેશનોમાં અમદાવાદનું સાબરમતી, આણંદ-નડિયાદ, વડોદરા, ભરૂચ, સુરત, બિલિમોરા, વાપી, બોઈસર, વિરાર, ઠાણે અને મુંબઈ સેન્ટ્રલ રહેશે
વાયડક્ટ અને પિલર્સની કામગીરી
508 કિલોમીટર લાંબા કુલ માર્ગ પરથી આશરે 349 કિલોમીટર લંબાઈનો વાયડક્ટ તૈયાર થઈ ગયો છે. આ વાયડક્ટને પકડી રાખતા 443 કિ.મી. લંબાઈના પિલર્સનું નિર્માણ પણ પૂર્ણ કરી લેવાયું છે.
ક્યારે શરૂ થશે સફર...?
બુલેટ ટ્રેનની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલા ગુજરાતીઓ માટે સૌથી મોટી ખુશખબર એ છે કે આ સેવા તબક્કાવાર રીતે શરૂ કરાશે. રેલ મંત્રાલયના આયોજન મુજબ સુરતથી વાપી વચ્ચેના આશરે 97 કિલોમીટરના પ્રથમ પટ્ટા પર ઓગસ્ટ 2027 સુધીમાં બુલેટ ટ્રેનની વ્યવસાયિક સેવા શરૂ કરવાનું લક્ષ્ય છે. પ્રથમ તબક્કાની સફળતા બાદ વર્ષ 2029 સુધીમાં અમદાવાદથી મુંબઈ સુધીનો આખો 508 કિ.મી.નો માર્ગ કાર્યરત્ કરી દેવાશે. મુંબઈથી અમદાવાદ વચ્ચેનું અંતર કાપવામાં અત્યારે જે 7થી 8 કલાક થાય છે, તે ઘટીને માત્ર 2 કલાક અને 7 મિનિટ જ રહેશે.


comments powered by Disqus