નવી દિલ્હી: ગયા વર્ષે 12 જૂને અમદાવાદથી લંડન માટે ટેકઓફ થયાના 32 સેકન્ડ બાદ જ વિમાન ક્રેશ થઈ ગયું હતું, અમદાવાદની સૌથી ગોઝારી ઘટનાઓમાં સામેલ એર ઇન્ડિયા પ્લેન ક્રેશને લઈને કેટલાક નવા ખુલાસા થયા છે. વિમાન ક્રેશ બાદ અંદરની સ્થિતિ અંગે પ્રત્યક્ષદર્શીએ મીડિયાને જણાવ્યું કે, જ્યારે વિમાન ક્રેશ થયું ત્યારે પાઇલટે ભાગવાનો પ્રયાસ નહોતો કર્યો, પરંતુ કંટ્રોલરને હાથમાં જ રાખ્યું હતું, પાઇલટનો મૃતદેહ પણ તે જ સ્થિતિમાં મળી આવ્યો હતો.
એર ઇન્ડિયાનું બોઇંગ વિમાન 787-8 ડ્રીમલાઇનર અમદાવાદ એરપોર્ટથી ટેકઓફ કર્યાની થોડી સેકંડમાં જ ક્રેશ થઈ ગયું હતું, આ અકસ્માતમાં બંનેે પાઇલટ, ક્રૂ, મુસાફરો અને વિમાન ક્રેશ થયું તે સ્થળનાં મળીને કુલ 260 લોકો માર્યા ગયા હતા. માત્ર એક જ મુસાફર આ ઘટનામાં જીવિત રહ્યો હતો. આ અકસ્માતને આગામી મહિને એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે ત્યારે વિમાનની અંદરની સ્થિતિ શું હતી તેની વિગતો સામે આવી છે. આ અકસ્માતમાં પોતાના પરિવારના કેટલાક સભ્યોને ગુમાવનારા રોમીન વોહરાએ જણાવ્યું છે કે, આ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને સિવિલ હોસ્પિટલના શબઘરમાં સાથે લવાયા હતા, જ્યાં હું પણ હતો. તેણે વધુમાં જણાવ્યું કે અંદર પ્રવેશ કરતાં જે દૃશ્યો જોવા મળ્યાં તે જિંદગીમાં ક્યારેય નહોતાં જોયાં. એક માતાના હાથમાં તેનું બાળક જોયું, બંનેના મૃતદેહ સળગી ગયા હતા. એક નાની બાળકીની ખોપરી મળી જેની સરખામણી મેં મારા પરિવારની બાળકીની તસવીર સાથે કરાવવા પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન મને કેપ્ટન સભરવાલનો મૃતદેહ દેખાયો જે સીટિંગ સ્થિતિમાં જ હતો, તેની પાછળનો હિસ્સો બળી હતો પરંતુ આગળનો હિસ્સો ઠીક હતો, તેના શરીર પર મેં તેનો યુનિફોર્મ અને હાથમાં પહેરેલી વસ્તુઓ પણ જોઇ હતી.

