આણંદઃ આણંદ-ખેડા જિલ્લામાં છેલ્લાં ત્રણ વર્ષમાં લોકોએ 15 કરોડથી પણ વધુ ગુમાવ્યા છે. તારાપુર-ખંભાત અને ચકલાસી પંથકમાં ઠગોની અનેક ગેંગ સક્રિય છે. જેમાં દરેકની મોડસ ઓપરેન્ડી જુદી જુદી છે.
તાજેતરમાં આણંદ પાસેના બાકરોલના તાંત્રિકે પૈસાનો વરસાદ કરવાની વિધિના બહાને ભાવનગરના યુવકને 49 લાખનો ચુનો ચોપડ્યો હતો. જોકે, આણંદમાં આ પ્રકારની ઘટના કંઈ નવીન નથી. અલબત્ત, આ પ્રકારની તેમજ અલગ-અલગ મોડસ ઓપરેન્ડી સાથે અનેક કિસ્સામાં ઠગ ટોળકી પૈસા પડાવતી હોય છે. જેમાં ખાસ તો આણંદ અને ખેડા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં જમીનમાં કે ઘર તળે સોના-રોકડ સહિત કિંમતી સામાન દટાયેલો હોવાનું કહીને ખોદકામ અને વિધિના નામે છેતરપિંડી કરે છે. મેજિકલ ચશ્મા આપવાના બહાને પણ તેઓ ઠગતા હોય છે. તાંત્રિકોએ આવી રીતે અનેક લોકોને માયાજાળમાં ફસાવી 15 કરોડ લૂટ્યાનું કહેવાય છે.

