પાટડી: હાલમાં જ વંદે મારતમના 150મા વર્ષની ઉજવણી કરવામાં આવી, ત્યારે ગુજરાતનું દેશભક્તિના રંગે રંગાયેલંુ એકમાત્ર એવું કઠાડા ગામ, જ્યાં તમામ 346 ઘરોમાં ‘વંદે માતરમ’ લખેલું છે. સાથે આ કઠાડા ગામમાં જે ઘરમાં ગોપાલન હોય એ ઘરોમાં ‘અભયધામ’ પણ લખેલું છે. ગામની 11 મહિલાઓએ 2011માં સર્વાંગીણ ગ્રામ વિકાસ ટ્રસ્ટ અંતર્ગત સુરભિ સ્વસહાય જૂથની રચના કરી ગૌમૂત્રના અર્ક અને લીમડાથી શુદ્ધ અને કેમિકલ મુક્ત ફિનાઇલ બનાવવાનો અનોખો પ્રયોગ હાથ ધર્યો હતો. કઠાડા ગામમાં ગીર કે કાંકરેજ ગાય રાખનારા ગોપાલકની ગાયના 15 લિટર ગૌમૂત્રમાં 1 કિલો લીમડાને માટીના પાત્રમાં ખૂબ જ ઉકાળીને ફિનાઇલ બનાવાય છે. જેનો લાભ ગામના લોકોને પણ મળે છે.
આદર્શ ગામની મુલાકાતે આવે છે લોકો
સંઘ દ્વારા પ્રભાત ગામ ઘોષિત કરાયેલા એવા આદર્શ કઠાડા ગામે મહારાષ્ટ્રના 15 જિલ્લાનાં 74 ગામના 148 લોકો ગ્રામદર્શન માટે કઠાડા ગામે આવ્યા હતા. અને કઠાડા ગામમાં સ્વાસ્થ્ય, શિક્ષણ, સંસ્કાર ક્ષેત્રે ચાલતા પરિણામલક્ષી પ્રકલ્પોને રૂબરૂ નિહાળ્યા હતા. કઠાડામાં વર્ષો જૂની પરંપરાનું આજે પણ પાલન કરવામાં આવે છે, એટલે જ બહારગામથી લોકો આ ગામ નિહાળવા આવે છે.

