કચ્છની દીકરીને વડાપ્રધાને કહ્યું, ‘મુજો કચ્છડો બારે માસ’

Wednesday 20th May 2026 06:22 EDT
 
 

દયાપરઃ લખપતના સિયોત ગામની કચ્છ કડવા પાટીદાર સમાજની દીકરી ઇશાની નરસિંહભાઈ લીંબાણીને વડોદરા ખાતે વડાપ્રધાનની ઉપસ્થિતિમાં એક અનોખો લહાવો મળ્યો. ઇશાનીએ વડાપ્રધાનની ઉપસ્થિતિમાં યોજાયેલા સરદારધામ-3ના લોકાર્પણ કાર્યક્રમમાં બિલ્ડિંગ વિઝિટ, કેમ્પસ મુલાકાત દરમિયાન વડાપ્રધાનને માહિતી આપવાની સાથે સંકલનની સફળતાપૂર્વક જવાબદારી સંભાળી હતી. મૂળ કચ્છની આ દીકરીને વડાપ્રધાન મોદીએ ખુશ થઈને કહ્યું હતું કે, ‘મુજો કચ્છડો બારે માસ’.
ઇશાનીના પિતા નરસિંહભાઈએ જણાવ્યું હતું કે, તેમની દીકરી ઈશાની 5 વર્ષથી અમદાવાદ સરદારધામ ખાતે માસ મીડિયા રિલેશન મેનેજર તેમજ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરના વડા તરીકે જવાબદારી નિભાવે છે. 11 મેએ વડોદરામાં સરદારધામ-3ના લોકાર્પણ પ્રસંગે વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ VVIP મુલાકાતમાં ઇશાનીએ કાર્યક્રમનું આયોજન, બિલ્ડિંગ વિઝિટ, બ્રીફિંગ અને કેમ્પસ મુલાકાતનું સફળ સંકલન કર્યું હતું.
જાણીતી કચ્છી કહેવતનો અર્થ
વડાપ્રધાને ઇશાનીને કહ્યું કે, ‘મુજો કચ્છડો બારે માસ.’ જેનો અર્થ આ પ્રમાણે થાય છે. ‘મુજો-મારો, કચ્છડો- કચ્છ પ્રદેશ, બારે માસ - આખું વર્ષ’ આ વાક્ય કચ્છ પ્રત્યેનો પ્રેમ, ગૌરવ અને લાગણી દર્શાવે છે. કચ્છના લોકો પોતાના પ્રદેશની સંસ્કૃતિ, પ્રકૃતિ, ઉત્સવો, મહેમાનગતિ અને વૈવિધ્ય પર ગર્વ વ્યક્ત કરવા માટે આ વાક્ય બોલી ગૌરવની અનુભૂતિ કરે છે.


comments powered by Disqus