કેરલમમાં એક દાયકા બાદ કોંગ્રેસ સત્તામાંઃ સતિષને મુખ્યમંત્રીપદે શપથ લીધા

Wednesday 20th May 2026 07:09 EDT
 
 

તિરુવનંતપુરમઃ લેફ્ટ ફ્રન્ટને સત્તાથી હટાવી એક દાયકા પછી કેરળમાં કોંગ્રેસના નેતૃત્વવાળા યુડીએફને ફરીથી સત્તામાં પરત લાવનારા વડાસેરી દામોદાર મેનન સતિષને સોમવારે તિરુવનંતપુરમના સેન્ટ્રલ સ્ટેડિયમમાં આયોજિત સમારંભમાં મુખ્યપ્રધાન પદના શપથ લીધા હતા.
તેમની 20 સભ્યોની કેબિનેટમાં અનુભવી નેતાઓ અને નવા ચહેરાઓને પણ સામેલ કરાયા છે. રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે આ તમામ 20 સભ્યોને શપથ લેવડાવ્યા હતા. આ શપથ લેનારાઓમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા રમેશ ચેન્નિથલા પણ હતા. ઉલ્લેખનીય છે કે, રમેશ ચેન્નિથલા પણ મુખ્યપ્રધાનની રેસમાં સામેલ હતા. આ સમારંભમાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને પક્ષના નેતા રાહુલ ગાંધી સહિત રાજકીય નેતાઓનો એક વ્યાપક વર્ગ સામેલ થયો હતો. કેબિનેટમાં આઇયુએમએલને પૂરતું પ્રતિનિધિત્વ અપાયું છે.
યુડીએફમાં કોંગ્રેસ પછી આઇયુએમએલ બીજો સૌથી મોટો ઘટકપક્ષ છે. દોઢ કલાક સુધી ચાલેલા શપથગ્રહણ સમારંભ પછી કેબિનેટે રાજ્ય સચિવાલયમાં પોતાની પ્રથમ બેઠક યોજી હતી. આ બેઠકમાં માર્ચમાં વિધાનસભા ચૂંટણી અભિયાનની શરૂઆત દરમિયાન રાહુલ ગાંધી દ્વારા જાહેર કરાયેલા પાંચ કાર્યક્રમો પૈકી બેને અમલમાં મૂકવાનો નિર્ણય લેવાયો હતો. મહિલાઓને ભેટ આપતાં સરકારે જાહેરાત કરી કે, તમામ મહિલાઓ બસોમાં નિઃશુલ્ક યાત્રા કરી શકશે.


comments powered by Disqus