ગિફ્ટ સિટીમાં રહેવા NRIનો વધતો ક્રેઝઃ ‘UK જેવી ફીલિંગ આવે છે’

Wednesday 20th May 2026 06:23 EDT
 
 

ગાંધીનગરઃ દેશની પ્રથમ આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્ર (IFSC) ધરાવતું ગિફ્ટ સિટી હવે માત્ર ફાઇનાન્સિયલ હબ પૂરતું સીમિત નથી. ગિફ્ટ સિટીના ઝડપી વિકાસ સાથે ગાંધીનગર અને આસપાસના વિસ્તારોમાં રિઅલ એસ્ટેટ, હોસ્પિટાલિટી, ખાણીપીણી, મનોરંજન અને સર્વિસ સેક્ટરમાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. રાજ્ય અને કેન્દ્ર સરકારની બિઝનેસ ફ્રેન્ડલી પોલિસી, આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાના કારણે દેશ-વિદેશના રોકાણકારો, NRI, યુવા પ્રોફેશનલ્સ અને કંપનીઓ હવે ગુજરાત તરફ આકર્ષાઈ રહી છે.
પ્રોફેશનલ્સ માટે નવું ડેસ્ટિનેશન
ગિફ્ટ સિટીમાં કાર્યરત્ રિઅલ એસ્ટેટ સલાહકારે જણાવ્યું કે, ગિફ્ટ સિટીના વિકાસે સ્થાનિક અર્થતંત્રમાં નવી ઊર્જા ભરી છે. અહીં ભાડે મકાન અને સ્થળાંતર પછીની સેવા માટે અમે ‘અર્બન ગિફ્ટ’ શરૂ કર્યું હતું. શરૂઆત બાદ જ સમજાઈ ગયું કે ગિફ્ટ સિટી માત્ર ઓફિસોનું કેન્દ્ર નહીં, પરંતુ હાઇ ઇન્કમ પ્રોફેશનલ્સ માટેનું નવું ડેસ્ટિનેશન બની રહ્યું છે. અહીં આવતા લોકોની આવક મહાનગરો જેવી હોવાથી ખરીદશક્તિ ઊંચી છે. તેના કારણે રેસ્ટોરન્ટ, કેફે, રિટેલ અને સર્વિસ સેક્ટર સુધી સીધી અસર જોવા મળી રહી છે.
યુકેથી ગિફ્ટસિટીમાં સ્થાયી થયેલા યુવાને જણાવ્યું કે, દિલ્હી-બેંગલુરુ જેવાં શહેરોમાં ટ્રાફિક, પ્રદૂષણ અને સુરક્ષા જેવી સમસ્યા વધતાં હવે રોકાણકારો ગુજરાતને વ્યવસાય માટે અનુકૂળ વિકલ્પ તરીકે જોઈ રહ્યા છે. ગુજરાતની નીતિઓ સ્થિર છે, કાયદો અને વ્યવસ્થા મજબૂત છે અને બિઝનેસ માટેનો માહોલ અનુકૂળ છે. તેથી આ કારણે જ હવે ગિફ્ટ સિટી એનઆરઆઇ લોકો માટે નવું સરનામું બની રહ્યું છે.


comments powered by Disqus