ગાંધીનગરઃ વન નેશન, વન ઈલેકશન મામલે રચાયેલી જોઇન્ટ પાર્લામેન્ટરી કમિટીએ અલગ અલગ રાજ્યોમાં જઈ રાજકીય પક્ષો અને અધિકારીઓ સાથે પરામર્શ શરૂ કર્યો છે. મંગળવારથી ત્રણ દિવસ જોઇન્ટ પાર્લામેન્ટરી કમિટીના સભ્યોએ ગુજરાત મુલાકાત કરી. મંગળવારે ગિફ્ટ સિટી ક્લબ ખાતે ગુજરાતના સિનિયર અધિકારીઓ સાથેની બેઠકમાં જેપીસીના અધ્યક્ષ પી.પી. ચૌધરીએ પ્રેઝન્ટેશનને મોડલરૂપ ગણાવી કહ્યું કે, ‘અન્ય રાજ્યોને પણ આ રીતે જ પોઇન્ટ્સ તૈયાર કરવા કહીશું. દિલ્હીથી આવેલી 39 સભ્યોની સંસદીય સમિતિમાં જોઇન્ટ પાર્લામેન્ટરી કમિટીના અધ્યક્ષ તરીકે કાયદાવિદ પી.પી. ચૌધરી સિવાય લોકસભાના 27 અને રાજ્યસભાના 12 સાંસદોનો સમાવેશ થાય છે.
10 અધિકારીએ પ્રેઝન્ટેશન કર્યું
આ બેઠકમાં ગુજરાત સરકારના લીગલ સેક્રેટરી ઉપેન્દ્ર ભટ્ટ અને મુખ્ય સચિવ મનોજકુમાર દાસ અને રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા કે.એલ.એન. રાવ પણ હાજર હતા. આ બેઠકમાં ગુજરાત સરકારના 10 વરિષ્ઠ અધિકારીઓએ વિવિધ મુદ્દા પર પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. અંદાજે અઢી કલાક ચાલેલી ચર્ચામાં ગુજરાતના વહીવટી મોડેલ અને સૂચનોને JPC દ્વારા સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો.
ગુજરાતનું પ્રેઝન્ટેશન મોડલરૂપ
આ બેઠક સમિતિના અધ્યક્ષ પી.પી. ચૌધરીએ ગુજરાત સરકારના પ્રેઝન્ટેશનની પ્રશંસા કરતાં કહ્યું કે, આવું સંકલિત અને તમામ મુદ્દાઓ આવરી લેતું પ્રેઝન્ટેશન અમે પહેલી વખત જોયું છે. હું ચીફ સેક્રેટરી અને તેની આખી ટીમની પ્રશંસા કરીશ કે પહેલીવાર અમને જે પ્રેઝન્ટેશન મળ્યું તેમાં ઘણા એવા પોઇન્ટ શોર્ટલિસ્ટ કરાયા હતા, જે અમારી સામે પહેલા ક્યારેય નહોતા આવ્યા.
આ એક મોડલના રૂપમાં અમે સમગ્ર દેશની સરકારોને મોકલીશું કે, આ રીતે તમે પોતાના રિપોર્ટ તૈયાર કરો.
‘1967 પછી દેશ ચૂંટણીચક્રમાં ફસાયો’
1967 સુધી દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકસાથે યોજાતી હતી, પરંતુ ત્યારબાદ કેટલીક વિધાનસભાઓ ભંગ થતાં અને પછી ઇમર્જન્સી લાગતાં ચૂંટણી પ્રણાલીમાં ફેરફાર શરૂ થયો. ઇમર્જન્સી દરમિયાન લોકસભાનો કાર્યકાળ પણ એક વર્ષ વધારાયો હતો, ત્યારથી દેશ સતત ચૂંટણીના ચક્રમાં ફસાતો ગયો.

