કોલકાતાઃ બંગાળની સુવેન્દુ સરકારે સોમવારે યોજાયેલી કેબિનેટ બેઠકમાં મહત્વના નિર્ણય લીધા હતા. બંગાળ સરકારના પ્રધાન અગ્નિમિત્રા પોલે બેઠક પછી સરકારે લીધેલા નિર્ણયો અંગે જાણકારી આપી હતી.
તેમણે જણાવ્યું કે પશ્ચિમ બંગાળ પ્રધાનમંડળે મહિલાઓ માટે અન્નપૂર્ણા યોજનાને મંજૂરી આપી દીધી છે. સાતમા વેતન પંચની રચનાને પણ મંજૂરી આપી દીધી છે. અન્નપૂર્ણા યોજના હેઠળ રાજ્યની મહિલાઓને 1લી જૂનથી દર મહિને રૂપિયા 3000ની આર્થિક સહાય આપવામાં આવશે. સરકારે 1લી જૂનથી મહિલાઓ માટે સરકારી બસમાં વિનામુલ્યે સફર સુવિધાને પણ મંજૂરી આપી દીધી છે. પોલે જણાવ્યું કે કેબિનેટે રાજ્યના કર્મચારીઓ, વૈધાનિક એકમો અને શૈક્ષણિક સંસ્થાનોના કર્મચારીઓ માટે સાતમા વેતન પંચની રચનાને પણ મંજૂરી આપી દીધી છે. કેબિનેટે 1લી જૂનથી ધાર્મિક આધારે સમૂહોને મળી રહેલી સરકારી સહાય બંધ કરવાનો પણ નિર્ણય લીધો છે. નાગરિકત્વ સુધારા કાયદા (સીએએ) નાગરિકતા માટે અરજી કરી ચુકેલા લોકો તેમ જ મતદાર યાદીમાં નામ સામેલ માટે ટ્રિબ્યુનલમાં અરજી કરનારા લોકોને પણ અન્નપુર્ણા યોજનાનો લાભ મળશે.

