ગાંધીનગરઃ ગુજરાત કોંગ્રેસે શનિવારે પોતાના બે વરિષ્ઠ નેતાઓને પાર્ટીના સભ્ય પદેથી દૂર કર્યા છે. અમદાવાદના ઉમાકાંત માંકડ અને સુરતના મકસૂદ બેગ મિર્ઝાને પાર્ટીએ સસ્પેન્ડ કર્યાની જાહેરાત કરી છે. આ બન્ને નેતાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા તે પત્રમાં લખ્યું હતું કે તેઓ છેલ્લાં કેટલાંક સમયથી સોશિયલ મીડિયા પર પક્ષની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે તેવાં લખાણો લખતા હતા.
આ બંને નેતાઓએ છેલ્લા કેટલાંક સમયથી ગુજરાતમાં ચૂંટણીઓમાં કોંગ્રેસના કંગાળ દેખાવને લઇને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ રાજીનામું આપવું જોઈએ તેવી માગ કરી રહ્યા હતા. આ અંગે તેમણે પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ મૂકી હતી.

