ભુજઃ મુંદ્રા પોર્ટ ખાતે વધુ એક વખત ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે. અમદાવાદસ્થિત નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)ની ટીમે કસ્ટમની સ્પેશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચ-SIIB શાખાની મદદ લઈને મુંદ્રા પોર્ટ ખાતે ગુપ્ત ઓપરેશન હાથ ધરી અંદાજિત 200 કિલો શંકાસ્પદ ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો હતો. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં રૂ. 155 કરોડ કરતાં પણ વધુ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ NCB યુનિટના અધિકારીઓએ ગુપ્ત રીતે કાર્યવાહી હાથ ધરી હતી અને કોઈને શંકા પણ ન જાય તે માટે અધિકારી ઓટોરિક્ષામાં બેસીને પહોંચ્યા હતા. કસ્ટમ વિભાગની SIIBની મદદથી શંકાસ્પદ કન્ટેનરની ઓળખ કરીને ટ્રાન્સવર્લ્ડ કન્ટેનર ફ્રેટ સ્ટેશન (CFS)માં ખસેડાયા બાદ સ્થાનિક આયાતકારને સાથે રાખીને તપાસ હાથ ધરાઈ હતી.
તપાસમાં કન્ટેનરથી 200 કિલો ડ્રગ્સનો જથ્થો મળ્યો હતો. આયાતના સત્તાવાર દસ્તાવેજોમાં સીરિયાથી વૂલ (ઊન)ની આયાત દર્શાવાઈ હતી, પરંતુ પ્રાથમિક તપાસમાં વૂલની આયાતના ઓઠા તળે નશીલા પદાર્થોની હેરાફેરી કરવાનો પ્રયાસ નિષ્ફળ બનાવવામાં સફળતા મળી હતી.
નોંધનીય છે કે, મુંદ્રામાં દરમહિને અંદાજિત 400 જેટલા વૂલ કન્ટેનરની આયાત થતી હોવાનું જણાવતાં સૂત્રોએ કહ્યું હતું કે, એક કન્સાઇન્મેન્ટથી શંકાસ્પદ ડ્રગ્સ મળવાના મામલે હવે વધુ કેટલાંક કન્સાઇન્મેન્ટની પણ તપાસ થવાની શક્યતા છે.
સ્થાનિક આયાતકાર કસ્ટડીમાં
ઊનની આયાતના ઓઠાતળે આવેલું કન્ટેનર મુંદ્રા ખાતે ડીપી વર્લ્ડ સંચાલિત મુંદ્રા ઇન્ટરનેશનલ કન્ટેનર ટર્મિનલ પર ઉતર્યા બાદ ટ્રાન્સવર્લ્ડ કન્ટેનર ફ્રેટ સ્ટેશન (CFS) ખાતે રખાયું હતું. આ કેસમાં સંકળાયેલા મુંદ્રાના એક આયાતકારની ઓળખ કરીને NCB દ્વારા તેને કસ્ટડીમાં લેવાઈ આરોપીની હાજરીમાં તપાસ હાથ ધરાઈ હતી.
રૂ. 300 કરોડના હેરોઇન સાથે
8 પાકિસ્તાની ઝડપાયા
ગુજરાતમાં સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાઈ માર્ગે ડ્રગ્સ ઘુસાડવાનું એક મોટું આંતરરાષ્ટ્રીય કાવતરું સુરક્ષા એજન્સીઓએ નિષ્ફળ બનાવ્યું છે. જખૌ બંદર પાસે દરિયામાંથી રૂ. 300 કરોડનું 60 કિલો હેરોઇન જપ્ત કરાયું છે. આ કેસમાં 8 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરાઈ છે. ગુજરાત ATS અને ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું હતું. ગુજરાત ATSને બાતમી મળી હતી કે, પાકિસ્તાનથી બોટ મારફતે મોટા પ્રમાણમાં ડ્રગ્સ ગુજરાતમાં ઉતારવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

