મુનિસેવા આશ્રમ-ગોરજને જગદીશ ત્રિવેદી દ્વારા રૂ. 4 કરોડનું દાન

Wednesday 20th May 2026 06:22 EDT
 
 

રાજકોટઃ જાણીતા હાસ્યકલાકાર, લેખક અને સમાજસેવક પદ્મશ્રી ડો. જગદીશ ત્રિવેદી હાલ ત્રણ મહિનાના અમેરિકા પ્રવાસે છે, જ્યાં એ વિવિધ સેવાભાવી સંસ્થાઓ માટે 20 કાર્યક્રમો રજૂ કરશે.
સ્વ. અનુબહેન ઠક્કર દ્વારા વડોદરા પાસે આવેલા ગોરજ ગામમાં વર્ષો પહેલાં મુનિ સેવા આશ્રમ નામની સંસ્થા શરૂ કરાઈ હતી. જેમાં હાલ કેન્સર હોસ્પિટલ, જનરલ હોસ્પિટલ, નર્સિંગ કોલેજ, ભગિની મંદિર, ઉત્તર બુનિયાદી શાળા, એકલવ્ય મોડલ નિવાસી શાળા, આશ્રમશાળા, વૃદ્ધાશ્રમ, વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર જેવાં સેવાનાં વિવિધ પ્રકલ્પો કાર્યરત્ છે. જગદીશ ત્રિવેદીની આ વર્ષની અમેરિકાયાત્રાના કુલ 7 કાર્યક્રમ દ્વારા મુનિસેવા આશ્રમને આશરે રૂ. 4 કરોડનું માતબર દાન પ્રાપ્ત થયું છે.
અમેરિકા યાત્રા દરમિયાન ન્યૂયોર્કમાં 20 હજાર ડોલર , સમરસેટ ન્યૂ જર્સીમાં 1,11,555 ડોલર, વુરહીસમાં 97,500 ડોલર, સિનસિનાટીમાં 30 હજાર ડોલર, ડિટ્રોઇટમાં 25 હજાર ડોલર, હ્યુસ્ટનમાં 1,11,000 ડોલર અને સેન્ટ લુઇસમાં 30 હજાર ડોલર મળી કુલ 4,25,055 ડોલર એટલે આશરે રૂ. 4 કરોડનું માતબર દાન એકત્ર
થયું છે.
ગોરજથી મુનિસેવા આશ્રમને જીવન સમર્પિત કરનારા ચેરમેન અને વ્યવસાયે ડોક્ટર ડો. વિક્રમ પટેલ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને લોકોને સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓથી વાકેફ કર્યા હતા. આ સંસ્થાના અમેરિકાસ્થિત સેવકો જેવા કે મુનિસેવા ફાઉન્ડેશન – અમેરિકાના પ્રમુખ કિરીટભાઈ પટેલ, ખજાનચી નીતિનભાઈ પટેલ, ન્યૂયોર્કના ડો. યોગેન્દ્ર પટેલ, ડો. શ્યામ રાવ અને પકાજી વગેરે આયોજનમાં મદદરૂપ થયા હતા.


comments powered by Disqus