લખનઉ: ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવના પુત્ર અને સપાના વડા અખિલેશ યાદવના ભાઇ પ્રતીક યાદવનું 38 વર્ષની વયે મોત નિપજ્યું છે. નિયમિત જીમમાં કસરત કરીને સિક્સ પેક એબ બનાવીને ચર્ચામાં રહેતા પ્રતીક યાદવનું અચાનક જ મોત થતા પરિવાર અને ચાહકોમાં દુઃખની લાગણી ફેલાઈ ગઈ છે. પ્રતીકના ફેફસાની લોહીની નળીઓમાં ગઠ્ઠા જામી જવાને કારણે હાર્ટ પર અસર પડી તેથી મૃત્યુ થયું હોવાનું પ્રાથમિક તારણમાં સામે આવ્યું છે.
સમાજવાદી પાર્ટીના સ્થાપક અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયસિંહ યાદવના સૌથી યુવા વયના પુત્ર પ્રતીક યાદવનું 38 વર્ષની વયે નિધન થયું હતું, તેના સાવકા ભાઈ અખિલેશ યાદવે આ જાણકારી સોશિયલ મીડિયા પર આપી હતી.
લખનઉના કિંગ જ્યોર્જ હોસ્પિટલમાં પ્રતીકનો પીએમ રિપોર્ટ તૈયાર કરાયો હતો. હોસ્પિટલ દ્વારા જારી એક નિવેદનમાં જણાવાયું હતું કે પ્રતિકના ફેફસામાં લોહીની નસોમાં લોહીના ગઠ્ઠા જામી ગયા હતા. એક મોટા કદના ગઠ્ઠાને કારણે શ્વાસ લેવાની શરીરની સિસ્ટમ અને હ્યદય બંધ પડી ગયા હતા. ડોક્ટરોએ સરળ ભાષામાં સમજાવતા કહ્યું હતું કે ફેફસામાં લોહીનો મોટો ગઠ્ઠો જામી ગયો તેથી ફેફસાને મળતું લોહી અટકી ગયું તેથી હૃદય અને શ્વાસોશ્વાસની પ્રક્રિયા બંધ થઇ ગઇ. જોકે પ્રતીકના શરીરમાંથી લીધેલા કેટલાક સેમ્પલ ફોરેન્સિક રિપોર્ટ માટે મોકલાયા છે.
2011માં પ્રતીક યાદવના લગ્ન અર્પણા બિસ્ટ સાથે થયા હતા, અર્પણા યાદવ ભાજપના નેતા છે, બન્ને વચ્ચે સંબંધોને લઈને પણ વિવાદો ચાલી રહ્યા હતા. જોકે બન્નેએ છૂટાછેડા નહોતા લીધા. અર્પણા રાજકારણમાં સક્રિય રહ્યા જ્યારે પ્રતીક રાજકારણથી ઘણા દૂર જોવા મળ્યા હતા.

