દમણઃ સંઘપ્રદેશ દમણના મોટી દમણ વિસ્તારમાં આવેલી પોર્ટુગિઝ સમયની મ્યુનિસિપલ કચેરી આજેપણ ઐતિહાસિક વારસો જાળવી રાખી રહી છે. મોટી દમણના કિલ્લા વિસ્તારમાં આવેલી આ કચેરીનું નિર્માણ 17મી સદીમાં કરાયું હતું. વર્ષ 1652માં અહીં મ્યુનિસિપલ વ્યવસ્થાની શરૂઆત થઈ હતી, જેના કારણે આ કચેરી સમગ્ર એશિયાની સૌથી જૂની મ્યુનિસિપલ કચેરીઓ પૈકી એક છે. હાલમાં આ મ્યુનિસિપલ કચેરી પોર્ટુગિઝ કાળની સ્થાપત્ય શૈલી, મજબૂત દીવાલો અને ઐતિહાસિક બંધારણ માટે ઓળખાય છે. આજે પણ આ ઇમારત હેરિટેજ સ્વરૂપે જાળવી રખાઈ છે. ઇતિહાસ પરિષદના માજી પ્રમુખ બી.એન. જોશીના જણાવ્યા મુજબ દમણમાં પોર્ટુગિઝ શાસનની શરૂઆત ઈ.સ. 1498થી થઈ હતી. પોર્ટુગિઝ સમય દરમિયાન દમણનું નામ ‘દમાવ’ હતું. ભારત દેશ આઝાદ થયો ત્યારબાદ પણ દમણમાં પોર્ટુગિઝ શાસન ચાલુ રહ્યું હતું. દમણ અંદાજે 450 વર્ષ સુધી દમણ પોર્ટુગિઝોના કબજામાં રહ્યું હતું.

