મોદી કેબિનેટની પુનઃ રચનાની ચર્ચાઃ ભાજપ સંગઠનમાં પણ ફેરફાર થશે

Wednesday 20th May 2026 07:09 EDT
 
 

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળ અને આસામ વિધાનસભાની ચૂંટણીમાં શાનદાર જીત પછી ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં તેમજ કેન્દ્રીય કેબિનેટમાં મોટા ફેરફારો થવાની ચર્ચા ચાલી છે. સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નીતિન નબીન દ્વારા તેમની નવી ટીમની જાહેરાત પછી સરકારમાં મોટા ફેરફાર થવાના સંકેત છે.
ભાજપે 2024માં જનતા દળ યુનાઇટેડ અને તેલુગુ દેશમ પાર્ટીના ટેકાથી સરકાર બનાવી હતી. 2024માં પીએમ મોદીએ સતત ત્રીજી વખત કાર્યભાર સંભાળ્યા પછી તેનાં સહયોગી દળો એનડીએ સાથે વધારાના મંત્રીઓને સમાવવા કોઈ ઔપચારિક ચર્ચા શરૂ કરી નહોતી. પીએમ મોદીએ 2024માં શપથ ગ્રહણ કર્યા તે પછી કેન્દ્રીય કેબિનેટમાં કોઈ ફેરફાર કરાયા નથી, આથી આ વખતે મોટા ફેરફારની આશા છે. ભાજપના નેતાઓના જણાવ્યા મુજબ સંગઠનમાં કરાનારા ફેરફારને આગામી ચૂંટણીની રણનીતિ સંદર્ભે મહત્ત્વના મનાય છે.
સંભાવના છે કે આ વખતે કેટલાક વરિષ્ઠ નેતાઓ કે જે હાલમાં કેન્દ્રીય પ્રધાનો છે કે પ્રદેશ અધ્યક્ષ કે પ્રમુખના પદ પર છે તેમને સંગઠન મજબૂત કરવા માટે રાષ્ટ્રીય ટીમમાં લાવવામાં આવી શકે છે. આગામી વર્ષે ઉત્તરપ્રદેશ અને પંજાબમાં ચૂંટણી થવાની છે, જેને માટે મજબૂત નેતૃત્વ અને ચોક્કસ યોજનાઓની જરૂર છે. ભાજપ દ્વારા 2027માં ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, મણિપુર, પંજાબ, હિમાચલપ્રદેશ અને ગુજરાતમાં ચૂંટણીઓ યોજાશે, જે પૈકી 5 રાજ્યોમાં ભાજપ સત્તા પર છે. પંજાબમાં શિરોમણી અકાલી દળ સાથેનું ગઠબંધન તૂટ્યા પછી ભાજપે સત્તારૂઢ પાર્ટી આમ આદમી પાર્ટીનો મુકાબલો કરવાનો છે. કેન્દ્રીય કેબિનેટ અને રાષ્ટ્રીય ટીમમાં હાલ જ્યાં ચૂંટણી ફરી થઈ તે 5 રાજ્યોના ચહેરાઓને સામેલ કરી વરિષ્ઠ નેતાઓને જવાબદારી અપાઈ શકે છે.


comments powered by Disqus