નવી દિલ્હીઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આ વર્ષે સપ્ટેમ્બરમાં ભારત આવશે. રશિયન સરકારે મંગળવારે જણાવ્યું કે, પુતિન 12 અને 13 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં યોજાનારી BRICS સમિટમાં ભાગ લેશે. PM મોદીએ પુતિનને ડિસેમ્બર 2025માં તેમના ભારત પ્રવાસ દરમિયાન સત્તાવાર રીતે સમિટમાં સામેલ થવા આમંત્રણ આપ્યું હતું.
એક વર્ષની અંદર પુતિનનો આ બીજો ભારત પ્રવાસ હશે, તો PM મોદી પણ આ વર્ષે રશિયાના પ્રવાસે જશે. આ પહેલાં પુતિન ડિસેમ્બર 2025માં ભારત આવ્યા હતા. તે દરમિયાન તેમણે PM મોદી સાથે 23મી ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લીધો હતો. 2025નો પ્રવાસ એટલા માટે પણ ખાસ માનવામાં આવ્યો હતો, કારણ કે યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી આ પુતિનનો પહેલો ભારત પ્રવાસ હતો. આ પહેલાં તેઓ છેલ્લી વાર 2021માં નવી દિલ્હી આવ્યા હતા. આ વર્ષે ભારત BRICSની અધ્યક્ષતા કરી રહ્યું છે. BRICS વિશ્વની મોટી અર્થવ્યવસ્થાઓનું ગ્રૂપ છે, જેમાં ભારત, રશિયા, ચીન, બ્રાઝિલ, સાઉથ આફ્રિકા, ઇજિપ્ત, ઇરાન, ઇથોપિયા, UAE અને ઇન્ડોનેશિયા છે.

