અમદાવાદઃ રાજકોટ એરપોર્ટ અને ત્યારબાદ અમદાવાદમાં ગીતામંદિર એસટી સ્ટેન્ડ પાસેથી 12 કલાકના અંતરમાં 280 કિલો ચાંદીની હેરાફેરી ઝડપી લેવાઈ છે. ઝડપાયેલી ચાંદીની અંદાજિત કિંમત રૂ. 8 કરોડ છે. રાજકોટ અને અમદાવાદથી ઝડપાયેલી ચાંદી વચ્ચે કોઈ કનેક્શન છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરાઈ છે.
સ્ટેટ જીએસટીની ટીમને બાતમી મળી હતી કે, અમદાવાદથી રાજકોટ જતી ખાનગી લક્ઝરી બસમાં ચાંદીની ગેરકાયદે હેરાફેરી કરાઈ રહી છે. આ બાતમીના આધારે ગીતામંદિર પાસેથી એક શખ્સને ઝડપી લેવાયો હતો, જેની પાસેથી 100 કિલો ચાંદી મળી હતી. જીએસટી વિભાગની તપાસમાં આ ચાંદીના 80 ટકા જથ્થાનું કોઈ પાકું બિલ, હિસાબ કે દસ્તાવેજો મળ્યા નથી.
બીજી તરફ રાજકોટના હિરાસર એરપોર્ટ ખાતે કાર્ગોમાં 180 કિલો ચાંદીનો જથ્થો મોકલાઈ રહ્યો હોવાની માહિતી ગુજરાત એટીએસને મળી હતી. જેના આધારે રાજકોટ ક્રાઇમબ્રાન્ચે એટીએસ સાથે સંયુક્ત ઓપરેશનમાં આ ચાંદી ઝડપી લીધી હતી, જેમાં જીએસટી ટીમને પણ સામેલ કરાઈ હતી.
એટીએસ અને ક્રાઇમબ્રાન્ચે એરપોર્ટ પરથી જ ચાંદીનો આ મોટો જથ્થો લેવા આવેલા સ્થાનિક વ્યક્તિને રંગેહાથ ઝડપી લીધો હતો. તેની હાજરીમાં જ પાર્સલની તપાસ કરાતાં 180 કિલો ચાંદી મળી હતી, જેના કાગળ અને બિલ અધૂરાં અને શંકાસ્પદ જણાયાં હતાં. પ્રાથમિક તપાસમાં આ મામલો મોટાપાયે જીએસટી અને ટેક્સ ચોરીનો હોવાનું સામે આવ્યું હતું. મળતી માહિતી અનુસાર ચાંદીનો જથ્થો વારાણસીથી રાજકોટ મોકલાયો હતો.

