જૂનાગઢઃ આગામી 1, 2 અને 3 જૂને દિલ્હીમાં ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સની પ્રથમ સમિટ યોજાશે. જેના ભાગરૂપે સાસણગીરમાં ગુરુવારે પ્રિ-ઈવેન્ટ ઓન લાયન કન્ઝર્વેશનનું આયોજન થયું હતું. આ સમિટમાં કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવની હાજરીમાં ગુજરાતના વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ વાઘણ ફાળવી આપવાની માગ રજૂ કરી હતી. તેમણે સંબોધન દરમિયાન કહ્યું કે, ગુજરાતમાં વરરાજા આવી ગયા છે હવે માત્ર કન્યાની પ્રતિક્ષા છે. અર્થાત્ ગુજરાત કેન્દ્ર પાસેથી ગુજરાતમાં આવેલા વાઘ માટે એક વાઘણની અપેક્ષા રાખે છે. સમિટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ચ્યુઅલ ભાગ લેતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં સિંહની વસ્તી 1991માં 284 હતી તે વધીને આજે 891 જેટલી થઈ છે. ઉપરાંત સિંહના વિચરણનો વિસ્તાર પણ પાછલા અઢી દાયકામાં ત્રણ જિલ્લાથી વધીને 11 સુધી પહોંચ્યો છે.

