નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે દેશ બહાર જતાં વિદેશી હૂંડિયામણને અટકાવવા યુદ્ધના ધોરણે આયાત અંકુશો મૂકવા માંડ્યા છે. સોનાની આયાત પર ડ્યૂટીને 6 ટકાથી વધારીને 15 ટકા કરવા સાથે આયાત અંકુશો મૂક્યાના બે દિવસમાં જ હવે ચાંદીની આયાતને પણ પ્રતિબંધિત કેટેગરીમાં ખસેડવાનો નિર્ણય લીધો છે. સત્તાવાર નોટિફિકેશન થકી સરકારે વિવિધ કેટેગરીની ચાંદીની આયત પર અંકુશ મૂક્યા છે. ચાંદીની ઇંટો-બિસ્કિટ કે પાવડર સ્વરૂપ કે પછી ઘડેલી કે ટીપેલી ચાંદીની આયાત માટે પણ સરકારની મંજૂરી ફરજિયાત કરાઈ છે.
સુધારેલા નિયમો હેઠળ, ચાંદીના બાર, બિન-કાપેલી ચાંદી અને પાવડર સ્વરૂપમાં ચાંદીનો પણ પ્રતિબંધિત કેટેગરીમાં સમાવેશ થાય છે, જેથી હવે ફરજિયાત સરકારી મંજૂરીની જરૂર પડશે. ચાંદીના આયાતની કેટલીક શ્રેણીઓ પણ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના નિયમોને આધિન કરવામાં આવી છે.

