અમદાવાદઃ જૂનાગઢ અને ગીર વિસ્તારની કેસર કેરી ગુજરાતને વૈશ્વિક ઓળખ અપાવે છે. તેની અનોખી મીઠાશ, આકર્ષક કેસરિયા રંગ, સુગંધ અને રસાળ પલ્પને કારણે આ કેરી દેશ-વિદેશમાં ખૂબ લોકપ્રિય બની છે. ગીરના વિશિષ્ટ હવામાન, જમીન અને કુદરતી પરિસ્થિતિના કારણે અહીં ઉત્પન્ન થતી કેરીમાં વિશેષ ગુણવત્તા જોવા મળે છે.
ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલી જિલ્લાના ખેડૂતો વર્ષોથી પરંપરાગત કેસર કેરીનું ઉત્પાદન કરતા આવ્યા છે, જેના કારણે આ વિસ્તાર કેસર બેલ્ટ તરીકે પણ ઓળખાય છે. તેમાં પણ કેસરને વર્ષ 2011માં જીઆઇ ટેગ (Geographical Indication) પ્રાપ્ત થયો છે. આમ ગીર કેસર નામને કાનૂની સુરક્ષા મળી છે અને ગીર વિસ્તાર સિવાય અન્યત્ર ઉત્પન્ન થતી કેરીને આ નામથી વેચી શકાતી નથી. આ માન્યતા મળવાથી ખેડૂતોને આંતરરાષ્ટ્રીય બજારમાં વિશ્વસનીયતા અને વધુ સારો ભાવ મળવા લાગ્યો છે. ગુજરાતના GI ટેગ ધરાવતાં કૃષિ ઉત્પાદનોમાં ગીર કેસરનું વિશેષ સ્થાન છે અને તે રાજ્યની કૃષિ ગૌરવનું પ્રતીક મનાય છે. ગીર કેસર કેરીનું ઉત્પાદન છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઝડપથી વધ્યું છે.
44 હજાર હેક્ટરમાં ઉત્પાદન
હાલમાં ગુજરાતમાં અંદાજે 44,000 હેક્ટર વિસ્તારમાં કેસર કેરીની ખેતી થાય છે અને સરેરાશ 3.15 લાખ મેટ્રિક ટન ઉત્પાદન થાય છે. જેમાં મુખ્યત્વે કેરી પકવતા જિલ્લાઓમાં જૂનાગઢ જિલ્લામાં 9510 હેક્ટર, ગીર સોમનાથ જિલ્લામાં 19,183 હેક્ટર, અમરેલી જિલ્લામાં 8243 હેક્ટરમાં વાવતેર થાય છે, જેનું સરેરાશ અંદાજિત ઉત્પાદન 2.60 લાખ મેટ્રિક ટન થાય છે. સૌરાષ્ટ્રમાં તાલાળા માર્કેટ યાર્ડ ગીર કેસરનું સૌથી મોટું વેપાર કેન્દ્ર ગણાય છે, જ્યાં દરવર્ષે લાખો બોક્સ કેરીની હરાજી થાય છે.
આંતરરાષ્ટ્રીય માગમાં વધારો
ગીર કેસર કેરીની અમેરિકા, કેનેડા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા અને મધ્ય પૂર્વના દેશોમાં ગીર કેસરની નિકાસ કરાય છે. ગુજરાતથી વર્ષ 2025-26 (એપ્રિલ સુધી) અંદાજે 535 મેટ્રિક ટન, વર્ષ 2024-25 દરમિયાન આશરે 856 મેટ્રિક ટન, વર્ષ 2023-24 દરમિયાન આશરે 689 મેટ્રિક ટન કેરીની નિકાસ થઈ હતી, જેમાં ગીર કેસરનો મહત્ત્વપૂર્ણ હિસ્સો રહ્યો હતો.
અમેરિકા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશો કે જ્યાં રેડિએશન પ્રક્રિયા જરૂરી છે તે માટે બાવળા ખાતે સ્થાપિત રેડિએશન પ્રોસેસિંગ યુનિટ દ્વારા ગતવર્ષે અંદાજે 224 મેટ્રિક ટન કેસર કેરીને પ્રક્રિયા કરી વિદેશમાં મોકલાઈ હતી. છેલ્લાં 5 વર્ષમાં ગુજરાતથી કુલ 3000 મેટ્રિક ટનથી વધુ કેરીની નિકાસ નોંધાઈ છે, જે રાજ્યના ખેડૂતો માટે ગૌરવની બાબત છે.

