સુરત સ્વામિનારાયણ મંદિરના સ્વામીનો આપઘાત

Wednesday 20th May 2026 07:10 EDT
 
 

સુરતઃ શહેરના લસકાણા વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મિશન મંદિરમાં 48 વર્ષીય સાધુ પ્રિયદર્શન સ્વામીએ રહસ્યમય સંજોગોમાં આપઘાત કરી લીધો. ગત 26 એપ્રિલે મોટા પ્રમાણમાં ઊંઘની ગોળીઓ ગળી ગયા બાદ તેઓ બેભાન થઈ ગયા હતા. લાંબી સારવાર બાદ 15 મેએ હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ઘટનાને પગલે લસકાણા પોલીસ મથકમાં અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.
આ આત્મહત્યા શંકાસ્પદઃ હિતરક્ષક સમિતિ
બીજી તરફ આ ઘટનાને લઈને સ્વામિનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિ દ્વારા લસકાણા પોલીસ સ્ટેશનના પીઆઇને એક લેખિત રજૂઆત કરાઈ છે. સમિતિના પ્રતિનિધિ ઘનશ્યામ નરસિંહભાઈ પટેલે પત્રમાં આક્ષેપ કર્યો છે કે, પ્રિયદર્શન સ્વામીની આત્મહત્યા પાછળ કેટલાંક શંકાસ્પદ કારણો જવાબદાર હોઈ શકે છે.
20 દિવસની સારવાર બાદ તોડ્યો દમ
48 વર્ષીય પ્રિયદર્શન સ્વામી 26 એપ્રિલે રાત્રે સાડા નવ વાગ્યે મંદિરમાં બેભાન મળ્યા હતા. તેમના સગા શૈલેશભાઈ અને અન્ય સેવકો તાત્કાલિક તેમને ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે 30 એપ્રિલે અડાજણસ્થિત બીએપીએસ હોસ્પિટલના આઇસીયુ વોર્ડમાં ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
પ્રિયદર્શન સ્વામીના મૃતદેહને 16 મેએ અંતિમ દર્શન માટે કલાકુંજ મંદિર ખાતે મૂકવામાં આવ્યો હતો. અહીં મોટી સંખ્યામાં હરિભક્તોએ તેમનાં અંતિમ દર્શન કર્યાં હતાં. અંતિમ દર્શન બાદ તાપી નદીના કાંઠે પ્રિયદર્શન સ્વામીના અંતિમ સંસ્કાર કરાયા હતા. હાજર હરિભક્તોની આંખોમાંથી આંસુ સરી પડ્યા હતા. હરિભક્તોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.


comments powered by Disqus