જામનગરઃ જામનગર સહિત હાલાર પંથકમાં છેલ્લા બે દાયકાથી માનવતાની મહેક ફેલાવતું મોક્ષ ફાઉન્ડેશન અનેક બિનવારસી મૃતકોનો અંતિમ આધાર બન્યું છે. વર્ષ 2006માં માત્ર 4 સેવાભાવી યુવાનો દ્વારા શરૂ કરાયેલું આ નિઃસ્વાર્થ કાર્ય આજે વટવૃક્ષ બની ગયું છે. આ સંસ્થાએ અત્યાર સુધીમાં 8 પાકિસ્તાની નાગરિકો સહિત 7,000થી વધુ બિનવારસી મૃતદેહોની શાસ્ત્રોક્ત વિધિ અને માનભેર અંત્યેષ્ઠિ કરી છે.
જામનગરમાં સામાજિક કાર્યકર વિક્રમસિંહ ઝાલા અને તેમના મિત્રોએ જોયું કે બિનવારસી મૃતદેહની સ્થિતિ અત્યંત દયનીય હોય છે. આથી તેમણે ભેદભાવ વગર આવા મૃતદેહોની અંતિમવિધિ કરવાનો નિર્ણય લીધો. અજ્ઞાત જીવાત્માઓને અંતિમ સફરમાં સન્માન અપાવવાનું આ કાર્ય આજે સમગ્ર હાલારમાં સરાહનીય બન્યું છે. સંસ્થા દ્વારા માત્ર અગ્નિદાહ જ નહીં, પરંતુ જે-તે ધર્મની પરંપરા મુજબ સ્નાન, સફાઈ અને પ્રાર્થના બાદ અંતિમ વિદાય અપાય છે. એટલું જ નહીં આ મૃતકોની અસ્થિઓનું દ્વારકા અથવા બાલાચડી ખાતે વિધિવત્ વિસર્જન પણ કરવામાં આવે છે. પોલીસ અને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ લેખિત મંજૂરી મેળવીને આ સેવાભાવીઓ મૃતદેહના અંતિમ સંસ્કાર કરે છે.
કોરોનામાં 5500 મૃતદેહની અંતિમવિધિ
સંસ્થાના જણાવ્યા મુજબ કોરોનાના કપરા કાળ દરમિયાન જ્યારે સ્વજનો પણ અંતિમ સંસ્કાર કરતા ડરતા હતા, ત્યારે આ સંસ્થાના કાર્યકરો ખડેપગે રહ્યા હતા. જી.જી. હોસ્પિટલમાં દમ તોડનારા હાલાર અને આસપાસના અંદાજે 5500 મૃતદેહોની સરકારી ગાઇડલાઇન મુજબ અંતિમ વિધિ કરાઈ હતી.
8 પાકિસ્તાની માછીમારની દફનવિધિ કરી
વર્ષ 2022માં ભુજની પાલરા જેલમાં બંધ 8 પાકિસ્તાની માછીમારોના કોરોના કાળ દરમિયાન મૃત્યુ થયાં હતાં. સંસ્થાએ મુસ્લિમ ધર્મની પરંપરા મુજબ સ્થાનિક કબ્રસ્તાનમાં આ આઠેય પાકિસ્તાની નાગરિકોની સન્માનપૂર્વક દફનવિધિ કરી હતી.

