અમદાવાદઃ ગુજરાત સહિત દેશભરમાં ખળભળાટ મચાવનાર ગાંધીનગરના અક્ષરધામ આતંકવાદી હુમલાના કેસમાં સ્પેશિયલ પોટા કોર્ટે 17 જાન્યુઆરીએ 3 આરોપી અજમેરી અબ્દુલ રશીદ સુલેમાન, મોહંમદ ફારુક મોહંમદ હનીફ શેખ અને મોહંમદ યાસીન ઉર્ફે યાસીન ભટ્ટ ગુલામ મોહિઉદ્દીન ભટ્ટને પુરાવાના અભાવે ડિસ્ચાર્જ કરી દીધા હતા, એટલે કે ત્રણેયને બિનતહોમત નિર્દોષ ઠરાવી છોડી મૂક્યા હતા.
કોર્ટ દ્વારા નોંધ પર લેવાયું હતું કે, આ હકીકતને ધ્યાને લેતાં ત્રણેય આરોપી સામે લગાવાયેલા આરોપોના સંદર્ભે સુપ્રીમ કોર્ટ દ્વારા સ્વીકારાયેલા પુરાવા સિવાય રેકોર્ડ પર કોઈ વધુ સામગ્રી બહાર આવી નથી. આ હકીકતને ધ્યાનમાં લેતાં કોર્ટને લાગે છે કે, હાલના આરોપીઓ સામે કાર્યવાહી કરવા કોઈ પૂરતા આધારો અસ્તિત્વમાં નથી,
જેથી ત્રણેય આરોપીને કેસમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવે છે.
અક્ષરધામ મંદિર પર આતંકવાદી હુમલાના કેસમાં પોટાની વિશેષ કોર્ટ અગાઉ પકડાયેલા પૈકી 6 આરોપીને ગુનેગાર ઠરાવી 3 આરોપીને ફાંસી, એકને જન્મટીપ, એકનેે 10 વર્ષ અને એક આરોપીને 5 વર્ષની સજા ફટકારી હતી. જો કે સુપ્રીમ કોર્ટે તમામ આરોપીને નિર્દોષ છોડી મૂક્યા હતા. જેમાં અલ્તાફ હુસેન મલિક, આદમ સુલેમાન અજમેરી, સલીમ હનીકભાઈ શેખ, મુફ્તી અબ્દુલ કયુમ, અબ્દુલામિયાં યાસીનમિયાં કાદરી, ચાંદમિયાં ઉર્ફે ચાંદખાન પઠાણનો સમાવેશ થતો હતો.
અક્ષરધામ મંદિરે 24-09-2002ના રોજ એકે-47 અને હેન્ડ ગ્રેનેડ સહિત 2 શખ્સે ઘૂસી જઈ દર્શનાર્થીઓ પર ગોળીબાર કરી હેન્ડ ગ્રેનેડ ફેંક્યા હતા, જેમાં 33 લોકોનાં મોત થયાં હતાં.

