કડકડતી ઠંડીમાં મળેલી નવજાતને પોલીસે અપનાવીઃ નામ પાડ્યું ‘હસ્તી’

Wednesday 21st January 2026 06:04 EST
 
 

સુરતઃ એક નવજાત બાળકી પોલીસ માટે વ્હાલનો દરિયો બની ગઈ. ગત 6 ડિસેમ્બરે જ્યારે સુરતમાં 16 ડિગ્રી ઠંડી હતી ત્યારે રાત્રે 11 વાગ્યે ડિંડોલી વિસ્તારના દેલાવડા ગામે તળાવની પાળે નવજાત બાળકી મળી આવી હતી. કંતાનમાં વિંટાળીને તરછોડી દેવાયેલી બાળકી સ્થાનિક મહિલાની નજરે પડી હતી. મહિલાએ તત્કાળ ગામના સરપંચને જાણ કરી. સરપંચે જાણ કર્યા બાદ પોલીસ પણ પહોંચી ગઈ. આશ્ચર્યજનક વાત એ છે કે આટલી ઠંડી હોવા છતાં બાળકી રડતી નહોતી. તેના નિર્દોષ ચહેરાએ સામાન્ય લોકો જ નહીં પોલીસને પણ ભાવુક બનાવી દીધા હતા. બાદમાં પોલીસે 108 એમ્બ્યુલન્સ દ્વારા બાળકીને હોસ્પિટલમાં ખસેડી હતી. સારવાર તથા જરૂરી રસીકરણ બાદ બાળકીને રજા અપાઈ હતી. જો કે નાનકડી બાળકીને હવે સુરત પોલીસે અપનાવી છે. પોલીસ દ્વારા ધામધૂમથી બાળકીની છઠ્ઠીની વિધિ રાખવામાં આવી. સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને તેમના પત્ની સંધ્યાબહેન પૂજાવિધિમાં જોડાયા તથા 'ઓળી ઝોળી પીપળ પાન પોલીસ વિભાગે પાડયા હસ્તી નામ' બોલીને બાળકીનું નામકરણ કરવામાં આવ્યું હતું. તરછોડી દેવાયેલી બાળકીને હવે સુરત પોલીસ નામે સુરક્ષિત પરિવાર મળ્યો છે.
‘બાળકીની સંભાળ પોલીસ રાખશે’
ડિંડોલીના પીઆઇ આર.જે. ચૂડાસમાએ કહ્યું કે, બાળકીની સંપૂર્ણ સંભાળ પોલીસ વિભાગ રાખશે. પોલીસ કર્મચારીઓ સ્વૈચ્છિક ફાળો એકત્ર કરી તેના નામે બેન્ક ખાતું ખોલાવશે. જેથી કોઈ પરિવાર તેને દત્તક લે ત્યારે આ રકમ તેના અભ્યાસ અને ઉજ્જવળ ભવિષ્ય માટે ઉપયોગી થઈ શકે.


comments powered by Disqus