કોળી સમાજના મહોત્સવમાં પૂર્વ મંત્રી ખાબડ દ્વારા હંગામો

Wednesday 21st January 2026 06:04 EST
 
 

દાહોદઃ દેવગઢ બારિયામાં અખિલ ભારતીય કોળી સમાજ દ્વારા આયોજિત પૃથ્વી સમ્રાટ ભગવાન શ્રી વીર માંધાતા પ્રાગટ્ય મહોત્સવમાં ભારે હોબાળો સર્જાયો હતો. પુત્રોએ કરેલા મનરેગા કૌભાંડમાં મંત્રીપદ ગુમાવનારા ધારાસભ્ય બચુ ખાબડે કાર્યક્રમના વક્તાઓની યાદીમાં પોતાનું નામ ઉમેરવા બાબતે હંગામો કર્યો હતો. જેમાં આયોજકોએ સ્ટેજ પરથી જ ધારાસભ્યને આકરા શબ્દોમાં સંભળાવી દીધું હતું, કે ‘રાજકારણ ન કરશો, આ સામાજિક કાર્યક્રમ છે.’
આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં ખળભળાટ મચ્યો હતો. દેવગઢ બારિયા સ્થિત એસઆર હાઇસ્કૂલમાં કોળી સમાજનો કાર્યક્રમ ચાલુ હતો, ત્યારે બચુ ખાબડે પોતાનું નામ ઉમેરવાની રજૂઆત કરી હતી. જો કે આયોજકોએ આ બાબતે મક્કમતા દર્શાવતાં વિરોધ કર્યો હતો. આયોજક યુવાને માઇક પર જ આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ‘આ કોળી સમાજનો મેળો છે, આ અમે સમાજ માટે ભેગું કરેલું છે, રાજકારણ માટે નહીં.’ આયોજકો અને ધારાસભ્ય વચ્ચે શાબ્દિક ટપાટપી વધી જતાં આયોજકોએ સ્ટેજ પરથી જ કડક શબ્દોમાં સંભળાવ્યું હતું કે, ‘તમે મેળો બગાડવા બેઠા છો, પણ આ રાજકીય સ્ટેજ નથી.’ આખરે પોલીસે વચ્ચે પડી મામલો થાળે પાડ્યો હતો.


comments powered by Disqus