જ્ઞાન-ચરિત્રના સંયોગથી જ સાચું શિક્ષણ સાકાર થાયઃ અમિત શાહ

Wednesday 21st January 2026 06:03 EST
 
 

ચાંગા: નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ (NAAC) દ્વારા “A+” ગ્રેડ તેમજ ગુજરાત સરકાર દ્વારા પ્રાપ્ત ‘સેન્ટર ઓફ એક્સલન્સ’નું બિરુદ ધરાવતી ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (ચારુસેટ) ચાંગાનો 13 જાન્યુઆરીએ 15મો પદવીદાન સમારંભ ચારુસેટ કેમ્પસમાં યોજાયો હતો. આ સમારંભના મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય ગૃહમંત્રી-સહકારમંત્રી અમિતભાઈ શાહે દીક્ષાંત પ્રવચન આપ્યું હતું. અધ્યક્ષસ્થાને ચારુસેટના પ્રમુખ સુરેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
આ પદવીદાન સમારંભમાં કુલ 1076 વિદ્યાર્થિનીઓ અને 1718 વિદ્યાર્થીઓ સહિત કુલ 2794 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ હતી. વિવિધ વિદ્યાશાખામાં અગ્રિમ સ્થાન પ્રાપ્ત કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓને 45 ગોલ્ડમેડલ એનાયત કરાયા. જ્યારે 38 વિદ્યાર્થીઓને પીએચ.ડી.ની ડિગ્રી એનાયત કરાઈ હતી.
અમિત શાહે દીક્ષાંત પ્રવચનમાં જણાવ્યું કે, લક્ષ્ય વિનાનું જીવન અર્થહીન છે અને સાચી સફળતા હંમેશાં સ્પષ્ટ લક્ષ્ય સાથે જ પ્રાપ્ત થાય છે. જ્ઞાન અને ચરિત્રના સંયોગથી જ સાચું શિક્ષણ પ્રાપ્ત થાય છે. અમિત શાહે ‘વિકસિત ભારત 2047’ના વિઝન અંગે વાત કરી કહ્યું, સ્નાતક વિદ્યાર્થીઓને આ તકોનો પૂરતો લાભ લઈ રાષ્ટ્રનિર્માણમાં અર્થપૂર્ણ યોગદાન આપવું જોઈએ
ચારુસેટના રજિસ્ટ્રાર ડો. બિનીત પટેલની આગેવાનીમાં યોજાયેલા દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ અમિત શાહ, સુરેન્દ્રભાઈ પટેલ, ચારુસેટના પ્રોવોસ્ટ ડો. અતુલ પટેલ, માતૃસંસ્થા કેળવણી મંડળ તેમજ સીએચઆરએફના મંત્રી ડો. એમ.સી. પટેલ, માતૃસંસ્થાના પ્રમુખ કિરણ પટેલ, હેલ્થકેર એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનના પ્રમુખ અને સોજિત્રાના ધારાસભ્ય વિપુલ પટેલ, ગવર્નિંગ બોડી અને બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો, ટ્રસ્ટીઓ, પદાધિકારીઓ જોડાયા હતા.


comments powered by Disqus