ડેન્માર્કનું પ્રતિનિધિમંડળ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટથી અભિભૂત

Wednesday 21st January 2026 05:22 EST
 
 

ગાંધીધામઃ મેરિટાઇમ સેક્ટર અને સસ્ટેનેબિલિટી ક્ષેત્રમાં સહયોગ વધારવા ડેન્માર્કનું એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ 16 જાન્યુઆરીએ કંડલાસ્થિત દીનદયાલ પોર્ટ ઓથોરિટી (DPA)ની મુલાકાતે આવ્યું હતું. આ મુલાકાતનો ઉદ્દેશ્ય ગ્રીન ટેક્નોલોજી અને શૂન્ય કાર્બન ઉત્સર્જનના લક્ષ્યાંકને મેળવવા પરસ્પર સહયોગ સાધવાનો રહ્યો હતો.
ડેન્માર્ક એમ્બેસીના મેરિટાઇમ કાઉન્સેલર જોસેફાઇન પેલેસની આગેવાનીમાં આવેલા આ પ્રતિનિધિમંડળે DPA (દીનદયાલ પોર્ટ ઓથોરિટી)ના ચેરમેન સુશીલકુમાર સિંહ (IRSME- ઇન્ડિયન રેલવે સર્વિસ ઓફ મિકેનિકલ એન્જિનિયર્સ) સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં પોર્ટના વિકાસમાં ગ્રીન ફ્યુઅલ, રિન્યુએબલ એનર્જી અને પર્યાવરણને અનુકૂળ કામગીરી અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી.
પ્રતિનિધિમંડળે કંડલામાં સ્થાપિત ‘મેક ઇન ઇન્ડિયા’ 1-MW ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટની મુલાકાત લીધી હતી. આ પ્લાન્ટ DPAને ભવિષ્યમાં ‘ગ્રીન હાઇડ્રોજન હબ’ તરીકે સ્થાપિત કરવાના વિઝનનું પ્રતીક છે. ડેનિશ પ્રતિનિધિઓએ ક્લીન એનર્જી તરફના ભારતના આ પર્યાવરણલક્ષી અને વિકાશશીલ પગલાંની પ્રશંસા કરી હતી.
ડેનિશ મહેમાનોએ પતંગ ચગાવ્યા
વ્યાપારી ચર્ચાની સાથે આ મુલાકાતમાં સાંસ્કૃતિક રંગ પણ જોવા મળ્યો હતો. મકરસંક્રાંતિના પર્વે ડેનિશ પ્રતિનિધિઓએ ગાંધીધામ સ્થિત એડમિનિસ્ટ્રેટિવ ઓફિસ ખાતે DPAના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે પતંગબાજી કરી હતી. મહેમાનોએ ભારતીય સંસ્કૃતિ અને આતિથ્ય સત્કારનો મનભરીને આનંદ માણ્યો હતો.


comments powered by Disqus