ધોરડોઃ 78મા આર્મી દિવસની ઉજવણીના ભાગરૂપે કચ્છના રણમાં સેનાના જવાનો દ્વારા આ વર્ષે પણ સાહસિક લેન્ડ યોટિંગ અભિયાનનો આરંભ કરાયો. સેનાના આ સાહસિક અભિયાન 15થી 20 જાન્યુઆરી દરમિયાન રાખવામાં આવ્યું, જેમાં આર્મીના 21 જવાનો 400 કિલોમીટરનું અંતર કાપશે.
અભિયાન દરમિયાન જવાનો રણની આકરી ભૌગોલિક પરિસ્થિતિનો અનુભવ કરતાં પોતાની શારીરિક ક્ષમતા, ધીરજને વધુ મજબૂત બનાવશે. એડવેન્ચરથી ભરપૂર આ અભિયાન દ્વારા કચ્છના રણમાં ઇકોસિસ્ટમ સંરક્ષણ અંગે પણ જાગૃતિ ફેલાવાઈ. વિશેષ વાત એ છે કે લેન્ડ યોટિંગ માટે અનુકૂળ ઇકોસિસ્ટમ એશિયામાં માત્ર કચ્છના રણમાં જ ઉપલબ્ધ છે. આ અભિયાનનો મુખ્ય હેતુ યુવાપેઢીને ભારતીય સેનામાં જોડાવા પ્રોત્સાહિત કરવાનો પણ છે.
46 એર ડિફેન્સ રેજિમેન્ટના સંચાલન હેઠળ 11મી લેન્ડ યોટિંગ એક્સપેડિશન દરમિયાન એર ડિફેન્સ બ્રિગેડના કમાન્ડર બ્રિગેડિયર અજય વર્માના હસ્તે અભિયાનમાં ભાગ લેનારા જવાનોનું સન્માન કરાયું હતું. ત્યારબાદ તેમના દ્વારા ધોરડો રણ ઓફ કચ્છ ખાતેથી અભિયાનને ફ્લેગ ઓફ આપવામાં આવ્યું હતું. ધોરડાથી શરૂ થતું આ અભિયાન અંતે ફરી ધોરડો ખાતે જ પૂર્ણ થશે, જે દરમિયાન જવાનો ધોરડો, ઇન્ડિયા બ્રિજ, ધર્મશાળા, શક્તિબેટ, કરીમશાહી, પેરીવારી ધોઈ સહિતના વિસ્તારોથી પસાર થશે.
ઇતિહાસ પ્રાચીન ઇજિપ્ત સુધી જોડાયેલો
બ્લોકાર્ટ (સઢવાળી નૌકા)નો ઉલ્લેખ પ્રાચીન ઇજિપ્તમાં પણ છે. જ્યાં પવનના સહારે પરિવહન માટે ઉપયોગ થતો હતો. આધુનિક બ્લોકાર્ટની શોધ ન્યૂઝીલેન્ડમાં વર્ષ 1999માં થઈ હતી. તે સમયે તેનો મુખ્ય હેતુ પરિવહનની સાથે સાહસિક પ્રવૃત્તિ તરીકે વિકસ્યો છે. તેનું કુલ વજન અંદાજે 29 કિલો છે. તેનું સંચાલન બર્નોલિની સિદ્ધાંત પર આધારિત છે, જેમાં પવનના દબાણ અને ગતિનો ઉપયોગ કરીને વાહન આગળ વધે છે. સામાન્ય રીતે બ્લોકાર્ટ પવનની દિશાને સમકોણે ચાલે છે. ભારતીય સેનાની એડવેન્ચર વિંગમાં બ્લોકાર્ટને વર્ષ 2010 માં સામેલ કરાયું હતું.

