આણંદઃ ચરોતરમાં જ નહીં, પરંતુ ગુજરાત અને દેશમાં કોઈ ગામ પોતાનો દિવસ ઊજવતું હોય તેવું એકમાત્ર ગામ ધર્મજ જ હશે. દરવર્ષે સ્વામી વિવેકાનંદ જયંતીએ 12 જાન્યુઆરીએ છેલ્લાં 20 વર્ષથી સતત ‘ધર્મજ ડે’ની ઉજવણી થાય છે. આ ઉજવણી દ્વારા સ્વામીજીના પ્રેરણાદાયી શબ્દો ‘ઊઠો, જાગો અને ધ્યેયપ્રાપ્તિ સુધી મંડ્યા રહો’ને સાર્થક કરવાનો પ્રયાસ ‘ટીમ ધર્મજ’ કરી રહી છે.
આ વર્ષે કે નવીન પ્રયોગ સાથે ‘ધર્મજ ડે’ની ઉજવણી બે દિવસની રાખવામાં આવી, જેમાં 13 જાન્યુઆરીએ ગામની ભાગોળે ટાવર ચોકમાં સનાતન સંસ્કૃતિને ઉજાગર કરતો ઊર્જાવાન કાર્યક્રમ ‘મેરા દેશ – મેરા સનાતન’ રાખવામાં આવ્યો હતો. જેમાં ઝી ટીવીના સા-રે-ગા-મા-પા કાર્યક્રમ ફેમ વડોદરાના કલાકાર યોગી પાઠક ગ્રૂપ દ્વારા આ કાર્યક્રમ રજૂ કરાયો હતો, જેણે ઠંડી હોવા છતાં શ્રોતાઓને જકડી રાખ્યા હતા. ‘ધર્મજ ડે’ના 20મા સોપાનની સફળ ઉજવણી સાકાર કરવા સાથે આગામી વર્ષમાં કરવાજોગ કાર્યોના આયોજન સાથે ‘ટીમ ધર્મજ’ નવીન ઊર્જા સાથે તૈયાર થઈ હતી.
દરવર્ષની ઉજવણી નાવીન્યતા સાથે અર્થસભર રીતે કરાય છે. આ વર્ષની ઉજવણીમાં સરદાર પટેલની 150મી જન્મજયંતીને ધ્યાનમાં રાખી સમગ્ર વર્ષ દરમિયાન તે મુજબના કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જેમાં ગામની શાળાઓમાં સરદારનાં 1815 પુસ્તકો ભેટ આપવા સાથે વક્તૃત્વ સ્પર્ધા, સરદાર સ્મૃતિના ગઢ ખેડા અને આણંદનાં સ્થાનોની મુલાકાત તથા અનુભવ કથન વગેરે પ્રવૃત્તિ વર્ષ દરમિયાન કરવામાં આવી.
ચાલુ વર્ષે રાષ્ટ્રચેતનાના ગાન ‘વંદે માતરમ્’ની રચનાને 150 વર્ષ પૂર્ણ થયેલ હોઈ ગામની વાત શરૂ કરતા પહેલાં પૂર્ણ વંદે માતરમ ગાન કરાયું હતું. શાબ્દિક સ્વાગત હેમંતભાઈ પટેલે કરી મંચસ્થ ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગ અંતર્ગત કાર્યરત્ ‘ઇન્ડેક્સ-સી’ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડો. સંજયભાઈ જોશીની સાથે બંને સંસ્થાના પ્રમુખ ચંદ્રકાંતભાઈ તથા રાજેશભાઈ, રોહિતભાઈ (ગોગીભાઈ), મનીષભાઈ (મુખી), પટેલ પ્રિન્ટિંગ પ્રેસ પ્રા.લિ. અમદાવાદના ઋષિકભાઈ પટેલનું સરદાર પટેલના પુસ્તક અને જાણીતા કલાકાર દ્વારા બનાવાયેલી સરદાર પ્રતિમા આપી સ્વાગત કરાયું હતું.
‘ટીમ ધર્મજ’ના ઉત્સાહી સભ્ય રાજેશ પટેલે છ ગામ પાટીદાર સમાજ અને ધરોહર ફાઉન્ડેશન દ્વારા ધર્મજ કેળવણી મંડળ, ગામની અન્ય સંસ્થાઓ તથા ગ્રામજનોના સહકાર સાથે થયેલ વિવિધ પ્રવૃત્તિ અંગે અહેવાલ આપવા સાથે આગામી કાર્યો અને કાર્યક્રમોની વિગતો રજૂ કરી દેશ-વિદેશથી પધારેલા ધર્મજિયનોને ગામની ગતિવિધિથી અવગત કરાવ્યા હતા. આ સાથે અનુસ્નાતક કક્ષાએ ઉચ્ચ ક્રમાંક સાથે ઉત્તીર્ણ થનારાં વિધિ સમીરભાઈ પટેલ તથા
ડો. ઋતુ આશીર્વાદ પટેલનું સન્માન કરાયું હતું.
વધુમાં ધર્મજ ખાતે ધૂન પેટિંગ ફાર્મ દ્વારા જીવરક્ષા અને પર્યાવરણ ક્ષેત્રે ઉલ્લેખનીય કાર્ય કરવા પર અર્ચનાબહેન શૈલેશભાઈ પટેલનું વિશેષ સન્માન કરાયું. આ પ્રસંગે અર્ચનાબહેન તથા દીકરી કુ. ધારા પટેલ લિખિત 4 પુસ્તિકાનું વિમોચન પણ કરાયું. વર્ષ 2009માં ત્રીજા ‘ધર્મજ ડે’ પ્રસંગે ધર્મજ ગામ વિશે રાજેશ પટેલ લિખિત પુસ્તકના વિમોચન સાથે શરૂ થયેલા તેમની લેખનયાત્રાના ઉલ્લેખનીય કાર્યસમાન તેઓના 11મા પુસ્તક ‘આપણું ધર્મજ – આદર્શ ભારતીય ગામ’નું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.
આ પુસ્તક દાતા અજયભાઈ પટેલ તથા રોહિતભાઈ પટેલ દ્વારા તૈયાર કરાવી ધરોહર ફાઉન્ડેશનને અપાયું છે. જેની આવકથી આગામી સમયમાં સેવાકીય પ્રવૃત્તિઓ કરાશે. આ પુસ્તકની અંગ્રેજી આવૃત્તિ ગત વર્ષે ઓગસ્ટ માસમાં પ્રકાશિત કરાઈ હતી, જે નૈલેશભાઈ પટેલ દ્વારા અમેરિકા ખાતે “ધર્મજ રિયુનિયન” કાર્યક્રમમાં ઉપસ્થિત સૌને ભેટ અપાયું હતું.
આ વર્ષે સૌપ્રથમ વખત ‘ધર્મજ ગૌરવ’ એવોર્ડ સંસ્થાકીય સ્તરે આપવામાં આવ્યો, જે પટેલ પ્રિન્ટિંગ પ્રેસના સંચાલક ઋષિકભાઈ પટેલને મળ્યો હતો. વર્ષ 1963માં સ્વ. કાંતિભાઈ તથા સ્વ. કનુભાઈ દ્વારા અમદાવાદ ખાતે પટેલ પ્રિન્ટિંગ પ્રેસ શરૂ કરાઈ હતી. આ નાનકડી શરૂઆત આજે પ્રા.લિ. કંપની બનવા સાથે પ્રિન્ટિંગ ક્ષેત્રે મોટું નામ બની છે. 63 વર્ષના કાર્યકાળમાં ત્રીજી પેઢી સંચાલનમાં આવવા છતાં ગુણવત્તા જાળવી રાખતાં તેમને પ્રિન્ટિંગ માટે દરવર્ષે રાષ્ટ્રીય સ્તરના એવોર્ડ પ્રાપ્ત થાય છે. ત્યાં સુધી કે અદાણી, અંબાણી પરિવારની સાથોસાથ માઇક્રોસોફ્ટ જેવી આંતરરાષ્ટ્રીય કંપની પણ તેમના ગુણવત્તાયુક્ત પ્રિન્ટિંગના કારણે તેમની પાસે જ આમંત્રણ પત્રિકા, ડાયરી સહિતનું સાહિત્ય તૈયાર કરાવવાનો આગ્રહ રાખે છે.

