નવી દિલ્હીઃ ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે પોલેન્ડને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતાં જણાવ્યું છે કે, આતંકવાદ સામે ‘ઝિરો ટોલેરન્સ’ની નીતિ અનિવાર્ય છે. નવી દિલ્હીમાં પોલેન્ડના વિદેશમંત્રી અને નાયબ વડાપ્રધાન રાડોસ્લો સિકોર્સ્કી સાથેની મુલાકાત દરમિયાન જયશંકરે આકરો મિજાજ બતાવ્યો હતો. આ ટિપ્પણી ઓક્ટોબરમાં જાહેર કરાયેલા પોલેન્ડ-પાકિસ્તાન સંયુક્ત નિવેદનમાં કાશ્મીરના ઉલ્લેખના સંદર્ભે હોવાનું મનાય છે. જયશંકરે યુક્રેન સંકટ મુદ્દે ભારતની થતી ટીકા સામે પણ સખત નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, રશિયા સાથેના ઊર્જાસંબંધોને લઈ ભારતને નિશાન બનાવવું તદ્દન અન્યાયી અને પક્ષપાતી છે. તેમણે પોલેન્ડને યાદ અપાવ્યું કે, ભારત લાંબા સમયથી સરહદ પારના આતંકવાદનો ભોગ બની રહ્યું છે, તેથી યુરોપિયન દેશોએ ભારતના પડોશમાં આતંકી માળખાને પ્રોત્સાહન મળે તેવું કોઈ પગલું ન ભરવું જોઈએ.
બેઠકમાં વેપાર, રોકાણ અને સુરક્ષા પર ચર્ચા
આ બેઠકમાં બંને દેશો વચ્ચે વેપાર, રોકાણ, સુરક્ષા, સ્વચ્છ ટેક્નોલોજી અને ડિજિટલ નવીનતામાં સહયોગ વધારવા પર ચર્ચા થઈ હતી. જયશંકરે જણાવ્યું કે, ભારત-પોલેન્ડ દ્વિપક્ષીય વેપાર આશરે રૂ. 58,100 કરોડ સુધી પહોંચ્યો છે, જે છેલ્લા દાયકામાં લગભગ 200 ટકા વધ્યો છે.
ડોબ્રી મહારાજાની યાદ અપાવી
જયશંકરે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પોલેન્ડનાં બાળકોને આશ્રય આપનારા ‘ડોબ્રી મહારાજા’ (મહારાજા દિગ્વિજયસિંહજી રણજિતસિંહજી જાડેજા)ને પણ યાદ કર્યા અને તેને બંને દેશ વચ્ચેના લોકોથી લોકોના સંબંધો વચ્ચે એક મજબૂત કડી તરીકે વર્ણવ્યું હતું.

