મહેસાણાઃ ભારતીય સંસ્કૃતિની ‘વસુધૈવ કુટુંબકમ્’ની ભાવનાને સાર્થક કરતો એક પ્રેરણાદાયી કિસ્સો મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના ચંદ્રોડા ગામે જોવા મળ્યો છે. ચંદ્રોડા ગામે મુસ્લિમ પરિવારના લગ્નપ્રસંગમાં હિન્દુ સંત મહંત બળદેવનાથજી મહારાજના આગમન અને તેમના ભવ્ય સન્માને સમગ્ર પંથકમાં કોમી એકતાની મિસાલ કાયમ કરી છે. ગામના સલીમભાઈ નાગોરીના ઘરે આયોજિત લગ્નપ્રસંગમાં આશીર્વાદ આપવા માટે દેવદરબાર મઠ (ઓગડનાથ મહારાજની ગાદી)ના મહંત બળદેવનાથજી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમનું મુસ્લિમ સમાજ દ્વારા અભૂતપૂર્વ સ્વાગત કરાયું હતું.
વાજતે-ગાજતે શોભાયાત્રા
ચંદ્રોડા ગામની આશરે 95 ટકા જેટલી મુસ્લિમ વસ્તી છે. અહીં મુખ્યત્વે મૂળ રાજસ્થાનથી આવેલા મોલેસલામ દરબાર નાગોરી સમાજના લોકો વર્ષોથી સ્થાયી થયેલા છે. મુસ્લિમ બહુમતી ધરાવતા આ ગામમાં જ્યારે મહંત બળદેવનાથજી મહારાજ પધાર્યા ત્યારે સમગ્ર ગ્રામજનોએ જ્ઞાતિ-જાતિના ભેદભાવ ભૂલીને તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. સંત પ્રત્યેના આદર અને સ્નેહના પ્રતીકરૂપે તેમને બગીમાં સવાર કરવામાં આવ્યા હતા અને વાજતે-ગાજતે આખા ગામમાં તેમની
ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું.

