ભડભડ સળગતી પત્નીને બચાવવાને બદલે વીડિયો ઉતાર્યો

Wednesday 21st January 2026 06:04 EST
 
 

સુરતઃ ઇચ્છાપોર વિસ્તારમાં પતિની સતત હિંસા અને અપમાનથી કંટાળી પરિણીતાએ આત્મદાહ કરી જીવન ટુંકાવી લીધું. પતિએ બચાવવાને બદલે સળગતી પત્નીનો વીડિયો બનાવ્યો હતો. બાળકોના કારણે થયેલી મારઝૂડ બાદ પતિએ પત્નીને મરી જવા માટે ઉશ્કેરતાં પત્નીએ શરીરે ડીઝલ છાંટી અગ્નિસ્નાન કરી લીધું હતું. આ સમયે પતિ વીડિયો બનાવી રહ્યો હતો, પરંતુ તેને બચાવી નહોતી. પરિણીતાના આપઘાત કેસમાં ઇચ્છાપોર પોલીસે પતિ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો હતો.
મૂળ બિહારના છપરાનાં 31 વર્ષીય પ્રતિમાદેવીએ ભાગીને રંજિત દિલીપ સહા સાથે લગ્ન કર્યાં હતાં. તેમને સંતાનમાં પુત્રી પ્રિયા, પુત્ર આદિત્ય અને અંકુશ છે. ગેરેજમાં કામ કરતો પતિ રંજિત નાની-નાની વાતે પ્રતિમા સાથે ઝઘડો કરતો હતો.
મેં જાતે અગ્નિસ્નાન કર્યુંઃ પરિણીતા
ગત 4 જાન્યુઆરીએ પ્રતિમા સળગી ગઈ હતી. શરીરે ડીઝલ છાંટી અગ્નિસ્નાન કર્યું હોવા છતાં રંજિતે અકસ્માતે દાઝી ગઈ હોવાનું જુઠ્ઠાણું ચલાવ્યું હતું. ગંભીર રીતે દાઝેલી પ્રતિમાનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. દરમિયાન પ્રતિમાએ હોસ્પિટલના બિછાનેથી તેના ભાઈ જયપ્રકાશને તેણે પોતાની જાતનેજાતે જ આગ લગાવી હોવાની વાત કરી હતી.


comments powered by Disqus