ગાંધીનગરઃ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષપદે નીતિન નબીનની સર્વાનુમતે વરણીની મંગળવારે વિધિવત્ જાહેરાત થાય એ પૂર્વે ગુજરાત ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પોતાની કારોબારી ટીમની રચના જાહેર કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના ગુજરાત પ્રવાસ બાદ પ્રમુખે 27 હોદ્દેદારો પછી સોમવારે વધુ 79 કાર્યકરોને કારોબારીમાં સમાવીને કુલ 106 સભ્યોના બંધારણીય કદને પૂરું કર્યું હતું. આ સાથે વિશ્વકર્માએ પ્રદેશ કારોબારીમાં વિશેષ આમંત્રિત સભ્યોમાં ભાજપના 26 જૂના જોગીઓને સ્થાન આપ્યું છે.
પ્રમુખપદે વિશ્વકર્માની પસંદગી થયા બાદ તેમણે પોતાની ટીમમાં નવા, યુવા અને અનુભવી નેતાઓને સમાવતી મહામંત્રીઓ, ઉપપ્રમુખો તથા મંત્રીઓની ટીમ જાહેર કરી હતી. આ જ રીતે કારોબારીમાં પણ તેમણે દરેક જિલ્લા, મહાનગરોના મહત્ત્વના આધારે કાર્યકરોની પસંદગી કરી છે.
પક્ષના બંધારણ મુજબ 26 વિશેષ આમંત્રિત સભ્યોમાં પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, રાજેન્દ્રસિંહ રાણા, આર.સી. ફળદુ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, આઇ.કે. જાડેજા, પ્રદીપસિંહ જાડેજા, દિલીપ સંઘાણી, નરહરિ અમીન, રમીલાબહેન બારા, અને ભરતસિંહ પરમારનો સમાવેશ થાય છે.
પ્રદેશ કારોબારીની જાહેર ટીમમાં 20 મહિલા કાર્યકરોને સ્થાન મળ્યું છે, એમાં અનેક પૂર્વ મંત્રી, પૂર્વ સાંસદો- ધારાસભ્યો અને પદાધિકારીઓનો સમાવેશ થાય છે. પૂર્વ યુવા મોરચા પ્રમુખ ડો. ઋત્વિજ પટેલ, પૂર્વ કિસાન મોરચા અધ્યક્ષ હિતેશ પટેલ, પૂર્વ મહિલા મોરચા પ્રમુખ દીપિકાબહેન સરડવા, પૂર્વ મંત્રી નિમિષાબહેન સુથાર, અમદાવાદના બે પૂર્વ મેયર ગૌતમ શાહ અને બિજલબહેન પટેલનો સમાવેશ કારોબારી સભ્ય તરીકે સમાવેશ થયો છે.

