નવી દિલ્હીઃ નીતિન નબીન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનશે કારણકે તેઓ ટોચના પદ માટે એક માત્ર ઉમેદવાર તરીકે ઉભરી આવ્યા છે તેમ સોમવારે ભાજપના વરિષ્ઠ નેતા અને રિટર્નિંગ ઓફિસર કે. લક્ષ્મણે જાહેરાત કરી છે.
ભાજપના ટોચના પદ માટે એક જ ઉમેદવાર નીતિન નબીન હતા, જેમના સમર્થનમાં 37 ઉમેદવારી પત્ર દાખલ કરાયાં હતાં, જે તમામ ઉમેદવારી પત્ર માન્ય થયાં હતાં. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષપદ માટે નબીનની ઉમેદવારીના પ્રસ્તાવકોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હતા. પક્ષના વડા જે.પી. નડ્ડા અને કેન્દ્રીય મંત્રીઓ અમિત શાહ, રાજનાથસિંહ અને નીતિન ગડકરી સહિત અનેક ભાજપના વરિષ્ઠ નેતાઓ પ્રસ્તાવકોમાં સામેલ હતા.
કે.લક્ષ્મણે જણાવ્યું હતું કે, સમયપત્રક મુજબ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ માટે નામાંકન પ્રક્રિયા સોમવારે બપોરે 2 થી 4 વાગ્યા દરમિયાન પૂર્ણ થઈ હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રીય અધ્યક્ષના પદ માટે નીતિન નબીનના પક્ષમાં કુલ 37 ઉમેદવારી પત્રો મળ્યા હતા. ચકાસણી દરમિયાન ઉમેદવારી પત્રોનાં તમામ સેટ યોગ્ય રીતે ભરેલા અને માન્ય હતા.
ભાજપના રાષ્ટ્રીય રિટર્નિંગ અધિકારી તરીકે હું જાહેર કરું છું કે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષપદ માટે ફક્ત એક જ નામ નીતિન નબીનનું નામ પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે. 36 રાજ્યો પૈકી 30 રાજ્ય પ્રમુખોની ચૂંટણી પછી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.

