રાજ્યમાં ભાજપ માટે એન્ટિ ઇન્કમ્બન્સી નથી: આપનો સરવે

Wednesday 21st January 2026 05:23 EST
 
 

ગાંધીનગરઃ આમ આદમી પાર્ટી માટે દિલ્હી સહિતની ચૂંટણીઓમાં પ્રચાર કરી ચૂકેલી એજન્સીએ એક સરવે બહાર પાડીને જણાવ્યું છે કે, ગુજરાત સરકારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના મંત્રીમંડળમાં ફેરફારો કર્યા બાદ ગુજરાતમાં ભાજપની એન્ટિ ઇન્કમ્બન્સી ટળી છે. આ સર્વેક્ષણ પ્રમાણે જો હાલમાં વિધાનસભા ચૂંટણી આવે તો ભાજપને કુલ મતોના 50 ટકા મત મળે અને તે વિજેતા પક્ષ તરીકે ઉભરી આવી શકે છે. Pulse of Gujarat 2026 સર્વેક્ષણ મુજબ રાજ્યની રાજકીય સ્થિતિમાં મોટાપાયે ઊથલપાથલના સંકેતો નથી.
દાવા મુજબ આ મોજણી CATI પદ્ધતિથી 40 હજારથી વધુ લોકોનો પ્રતિભાવ જાણીને કરાઈ છે. સરવેમાં ભાજપને 49.5 ટકા મત મળતા જોવા મળે છે. આશ્ચર્યજનક રીતે ગુજરાતમાં આમ આદમી પાર્ટી 24.8 ટકા મત સાથે બીજા ક્રમે, જ્યારે કોંગ્રેસનું પ્રદર્શન વધુ કથળીને તે 17.3 ટકા મત મેળવે તેવો વરતારો મુકાયો છે.
ભાજપની સરકાર 2027માં ધ્વસ્ત થઈ જશેઃ કેજરીવાલ
આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વડોદરા ખાતે ક્ષેત્રીય બૂથ કાર્યકર્તા સંમેલન યોજ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, સરકારી સ્કૂલોની સ્થિતિ ખૂબ ખરાબ છે. ખાનગી સ્કૂલોમાં બાળકોને મોકલવાનો વારો આવ્યો છે. વર્ષ 2027ની ચૂંટણીમાં ભાજપની સરકાર ધ્વસ્ત થઈ જશે. 30 વર્ષમાં ભાજપની સરકારે બધું જ લૂંટી લીધું છે. ભાજપની સરકાર રોજગારી ખાઈ ગઈ છે, ખેડૂતોનું ખાતર ખાઈ ગઈ છે. સિંચાઈનું પાણી પી ગઈ છે. ખેડૂતોને એમએસપીના ભાવ મળી રહ્યા નથી. અમારા નેતાઓને ગુજરાતભરમાં લગભગ તમામ જગ્યાએ ખૂબ મોટું સમર્થન મળી રહ્યું છે.
આપની સરકાર બનશે તેવો દાવો કરતાં કેજરીવાલે કહ્યું કે. કોંગ્રેસના લોકોને સરકારી કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. કેજરીવાલે વડોદરાના ભાજપના 5 નારાજ ધારાસભ્યોએ મુખ્યમંત્રીને લખેલો પત્ર મંચ પરથી વાંચીને સંભળાવી કહ્યું કે, જ્યાં ધારાસભ્યોનાં જ કામ થતાં ન હોય તો લોકોનાં કામ કેવી રીતે થતાં હશે તે મોટો પ્રશ્ન છે.


comments powered by Disqus