મહેસાણાઃ માણસા ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે રૂ. 267 કરોડના વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયાં હતાં. આ પ્રસંગે અમિત શાહે જણાવ્યું કે, માણસાના વિકાસ માટે રૂ. 235 કરોડના ખર્ચે અંબોડ બેરેજ બનાવાઈ રહ્યો છે, જેનાથી ગોજારિયા અને માણસા સુધીના ખેડૂતોને ખેતીમાં ફાયદો થશે. આ જ પ્રકારે રામપુર-માણસાના છેડે રૂ. 260 કરોડના ખર્ચે બીજો બેરેજ અને ગાંધીનગરમાં ત્રીજા બેરેજના બન્યા બાદ ગાંધીનગરથી મહુડી સુધીના સાબરમતીના પટને પણ જોડી દેવાશે. આ ઉપરાંત માણસામાં રૂ. 250 કરોડના ખર્ચે ઉત્તમ કક્ષાની નવી સિવિલ હોસ્પિટલ બની રહી છે.

