અમદાવાદઃ સ્વિટ્ઝર્લેન્ડના દાવોસ ખાતે યોજાઈ રહેલી ‘વર્લ્ડ ઈકોનોમિક ફોરમ’ (WEF)માં ભાગ લેવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ રવાના થયું. વિદાય વેળાએ જિલ્લા કલેક્ટર સુજિતકુમાર, ઇન્ડેક્સ-બીના એમડી કેયુર સંપત, અમદાવાદના ડેપ્યુટી મેયર જતીન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગભાઈ દાણી હાજર રહ્યા હતા. 19થી 23 જાન્યુઆરી દરમિયાન યોજાનારી આ બેઠકમાં ગુજરાતને વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ તરીકે પ્રસ્તુત કરાશે. બેઠકમાં ગુજરાતની સહભાગિતા રાજ્યના આર્થિક ઉત્થાન માટે નવી ક્ષિતિજો ખોલશે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દાવોસમાં મહત્ત્વની બેઠકોમાં ભાગ લેશે. ગુજરાતમાં રોજગારી અને ઔદ્યોગિક વિકાસને વેગ આપવા તેઓ એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ, ટેક્સટાઇલ, ફૂડ પ્રોસેસિંગ, કેમિકલ્સ, સેમિકંડક્ટર, ફાર્માસ્યુટિકલ્સ, રિન્યૂએબલ એનર્જી, શિપિંગ-લોજિસ્ટિક્સ, એરોસ્પેસ જેવાં ક્ષેત્રોમાં રોકાણ આકર્ષવા વૈશ્વિક ઉદ્યોગપતિઓ અને વિવિધ ઇન્ડસ્ટ્રીઝના સિનિયર મેમ્બર્સ સાથે 58 ‘વન-ટુ-વન’ બેઠકો યોજશે.
આ તબક્કે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, વર્લ્ડ ઇકોનોમિક ફોરમના વૈશ્વિક મંચ પર ટીમ ગુજરાત ‘વિકસિત ગુજરાત’નો રોડમેપ અને મજબૂત ઇન્ડસ્ટ્રીયલ લેગેસી રજૂ કરશે.

